બાપુ ગીરો મુકાયેલા નથી, પક્ષના નામે ગળેટૂંપો દેવાનું ના ચાલે : શંકરસિંહ

 

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.ર૧
ભાજપ અને કોંગ્રેસમાં પક્ષીય બંધન હોય એટલે તમે પક્ષના નામે ગળેટૂંપો દેવાની વાત કરો તે ના ચાલે. બાપુ ગીરો મુકાયેલા નથી. એટલે કોંગ્રેસને મારા બંધનમાંથી મુકત કરૂં છું.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને માંડ ૧૦૦ દિવસ બાકી અને કોંગ્રેસે કોઈ હોમવર્ક જ કર્યું નથી. ૧૦ કિ.મી. ચાલવું હોય તો અગાઉથી પ્રેકિટસ કરવી પડે ત્યારે કોંગ્રેસે તો કોઈ પ્રેકિટસ જ કરી નથી. એટલે ભાજપની સોપારી ખુદ કોંગ્રેસે જ લીધી છે. મેં કોઈ સોપારી લીધી નથી. કોંગ્રેસને લડવું નથી અને લડવા માટે રસ્તો આપવો નથી. હું છું તો સરકાર બનતી નથી તેવું કહે છે લો હું જ જતો રહું છું. કહીને કોંગ્રેસમાંથી રાજીનામું આપતા દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું. ગુજરાત કોંગ્રેસને આજે જોરદાર ફટકો પડયો છે. ગુજરાતના રાજકારણમાં હવે ઉથલપાથલ થઈ ગઈ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસ પક્ષના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાએ રાજકીય નિવૃત્તિ જાહેર કરતા કોંગ્રેસમાં ભૂકંપ આવી ગયો છે. શુક્રવારે જન્મદિવસની ઉજવણી માટે શંકરસિંહ વાઘેલાએ ગાંધીનગરમાં બોલાવેલા સમ સંવેદના સંમેલનમાં બળાપો કાઢતા શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે ‘બા રીટાયર્ડ થાય છે બાપુ નહીં’ કહીને શંકરસિંહ રિટાયર્ડ થયા નહીં હોવાની સ્પષ્ટતા કર્યા બાદ જણાવ્યું હતું કે ઝેરને ડાયજેસ્ટ કરવાની શકિત ભગવાને જ મને આપી છે. એટલે જ આજે ૭૭ વર્ષ નોટ આઉટ છું. વધુમાં તેમણે કહ્યું કે આજના મારા સંમેલનમાં મારા ટેકેદાર ર૦ જેટલા કોંગ્રેસના ધારાસભ્યોને મેં અહીંયા આવવાની ના પાડી હતી આજે હું મારા સમર્થક ધારાસભ્યોને પણ મુકત કરૂં છું. તેઓ તેમનો નિર્ણય જાતે કરે. તેમ છતાંય રાઘવજી પટેલનું મન ના માન્યું એટલે તેઓ અહીં આવ્યા છે. શંકરસિંહને સત્તાનો મોહ ના હોવાનું જણાવતા કહ્યું હતું કે કે અમે તો જનસંઘમાં હતા ત્યારે જ કહેવામાં આવ્યું હતું કે તમારે એમ.પી. એમએલએ બનવાનું નથી ત્યારે અમે તો સત્તા છોડવાવાળા છીએ. એમ.પી. એમએલએ-સીએમ બનાવવાવાળા છીએ. અન્યાયની સામે લડવાના વિદ્રોહ કરવાની આદત છે ખૂન પસીનાથી બનાવેલ પાર્ટી સત્તામાં આવ્યા બાદ અમને ભૂલી જાય છે. સેલ્ફ રિસ્પેકટ જેવું કંઈ તો હોવું જોઈએ સેલ્ફ રિસ્પેકટથી વધીને કંઈ નથી. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગનો મુદ્દો ઉઠાવતા શંકરસિંહે કહ્યું હતું કે ક્રોસ વોટિંગ કરનારા ધારાસભ્યોને તમે પૂછયું કે તમને શું તકલીફ છે. રાઘવજી પટેલે દોઢ-બે વર્ષ અગાઉ રજૂઆત કરી હતી તે અંગે તેમને પૂછયું કોંગ્રેસના ધારાસભ્યોની તકલીફ શું છે તે પૂછયું છે કોઈ દિવસ આવું ને આવું ચાલશે તો કાલે રાજયસભાની ચૂંટણી આવશે તો શું કરશો ? કહીને બાપુએ કોંગ્રેસને ટોણો માર્યો હતો. કોંગ્રેસ કહે છે જે જતા હોય તેને રોકવા નહીં તો રોકાશે કોણ ? યુપીમાં હાર્યા બાદ આજકાલ કરતો હતો. પ્રજા જ મારી વડી અદાલત છે. પ્રજા જ મારી સુપ્રીમકોર્ટ છે. એટલે મારૂં માથું પ્રજાના ખોળે મૂકું છું હું વધુ છોડી દઈશ પણ પ્રજાને નહીં છોડું પ્રજાના એક અવાજે તેમના માટે છેલ્લા શ્વાસ સુધી લડીશ. અંતમાં તેમણે હિન્દીમાં કહ્યું હતું કે ‘આપકા કોઈ નહી હૈ તો બાપુ આપકા હૈ’ ગાંધીનગર ટાઉનહોલ ખાતે યોજાયેલા શંકરસિંહના સંમેલનમાં હજારોની સંખ્યામાં તેમના સમર્થકો હાજર રહ્યા હતા. બાપુના આગમન સાથે ‘ દેખો દેખો કોન આયા ગુજરાત કા શેર આયા’ તેવા સૂત્રોચ્ચાર પણ સમર્થકોએ પોકાર્યા હતા.
અહમદભાઈ પટેલે કોઈપણ શરત વિના મને સહયોગ, આદર આપ્યો છે

શંકરસિંહે તેમના વકતવ્યમાં કોંગ્રેસના સાંસદ અને સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહમદભાઈ પટેલની ભારોભાર પ્રશંસા કરતાં કહ્યું હતું કે, જ્યારે રાજપા વખતે સરકાર બનાવવાની ત્યારે કોઈપણ શરત વિના અહમદભાઈએ કોંગ્રેસ તરફથી સહયોગ આપ્યો હતો. વધુમાં તેમણે પોતાના વકતવ્યમાં દિગ્ગજ નેતા માધવસિંહ સોલંકી, ચીમનભાઈ પટેલ, સિદ્ધાર્થ પટેલ, ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓનો આભાર માન્યો હતો. ત્યારે તેમણે સૌથી વધુ આભાર અહમદ પટેલનો માનતા કહ્યું હતું કે, મારા અઝીઝ એવા અહમદભાઈ પટેલે મારી સાથે સૌથી સૌજન્યપૂર્વક વ્યવહાર કર્યો છે. તેમને મળવા જતો ત્યારે તેઓ મને લેવા ઘરની બહાર આવતા અને મૂકવા પણ આવતા હતા.

બાપુના રાજીનામાને પગલે દિલ્હીમાં આજે પ્રદેશ હોદ્દેદારો સાથે બેઠક

શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ છોડી દેતા ગુજરાતમાં કોંગ્રેસ સહિતના રાજકારણમાં બરોબરનો ગરમાવો આવી ગયો છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવવાની છે ત્યારે કોંગ્રેસ છોડવાના દિગ્ગજ નેતાના પગલાથી કોંગ્રેસ હાઈકમાન્ડ પણ ચોંકી ઉઠ્યું છે જેને લઈને આવતીકાલે દિલ્હીમાં તાકીદની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં ગુજરાત પ્રદેશના અગ્રણી નેતાઓ હાજર રહેશે. શંકરસિંહ વાઘેલાના પગલાને લઈને કોંગ્રેસમાં હડકંપ જેવી સ્થિતિ સર્જાવા પામી છે. ચૂંટણી નજીકમા હોઈ હવે આગામી સમયમાં બાપુના રાજીનામા પછી ઊભી થનારી સ્થિતિ અંગે ચર્ચા કરવા તથા કોંગ્રેસમાં ડેમેજ કંટ્રોલ માટેની કવાયતના ભાગરૂપે જ આવતીકાલે દિલ્હીમાં કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી, પ્રભારી અશોક ગેહલોત, અર્જુન મોઢવાડિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેનાર છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે યોજાનાર આ બેઠકમાં સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને અગ્રણી નેતા અહમદ પટેલ પણ હાજર રહે તેવી શક્યતા છે. ગુજરાત કોંગ્રેસની આગામી રણનીતિ અંગે પણ આ બેઠકમાં ચર્ચા થશે. તે ઉપરાંત રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનાર અન્ય ધારાસભ્યોના મુદ્દે પણ ચર્ચા સાથે કોઈ નિર્ણય લેવાય તેવી શક્યતા જોવાઈ રહી છે.

બાપુને કોંગ્રેસ પાર્ટીએ હાંકી કાઢ્યા હોવાના આક્ષેપો તદ્દન ખોટા : કોંગ્રેસ

શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ સાથે છેડો ફાડવાની જાહેરાત કર્યા બાદ કોંગ્રેસે આકરી પ્રતિક્રિયા આપી હતી. કોંગ્રેસના મોટાભાગના વરિષ્ઠ નેતાઓએ પોતાની પ્રતિક્રિયામાં કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીએ તેમને ૨૪ કલાક પહેલા હાકી કાઢ્યા છે તેવા વાઘેલાના આક્ષેપ બિલકુલ આધાર વગરના છે. કોંગ્રેસ પાર્ટીએ તેમને પુરતી તક આપી હતી. તેમનું સન્માન જાળવ્યું હતું. વાઘેલાએ જ્યારે પાર્ટી માટે કામ કરવાની જરૂર હતી ત્યારે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે. પક્ષમાંથી હાકી કાઢ્યા હોવાની અને પક્ષમાં કોઇ સાંભળતું ન હોવાના શંકરસિંહ વાઘેલાના આક્ષેપ અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાતના પ્રભારી અશોક ગેહલોતે કહ્યું હતું કે, શંકરસિંહના આક્ષેપો આધારવગરના છે. બાપુના આક્ષેપોમાં કોઇ વાસ્તવિકતા નથી. પક્ષમાં સૌથી વધુ શંકરસિંહને સાંભળવામાં આવ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ બાપુને ઘણું બધુ આપ્યું હતું પરંતુ શંકરસિંહે કોંગ્રેસ પાર્ટી સાથે વિશ્વાસઘાત કર્યો છે. વાઘેલાને મોદી કે અમિત શાહે ડરાવ્યા છે કે કેમ તે ખબર પડતી નથી. તેમ જણાવતાં ગેહલોતે વધુમાં કહ્યું કે, ભાજપ છોડયું હતું તેમ કોંગ્રેસ છોડી તે બન્ને ખોટું કર્યું છે. મળેલી માહિતી મુજબ બાપૂના કાર્યક્રમમાં હાજર રહેલા હોદ્દેદારો, નેતાઓ અને કાર્યકરો સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. કોંગ્રેસ હાઈકમાન્ડ તેમની સામે કેવા પગલા લેશે તેને લઇને વાતચીતનો દોર શરૂ થયો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહે પોતાની પ્રતિક્રિયામાં કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી મજબૂતી સાથે આગામી દિવસોમાં મેદાનમાં રહેશે. કોંગ્રેસ પાર્ટી ફરીવાર મજબૂત થઇને ઉભરી આવશે. વાઘેલા દ્વારા કરવામાં આવેલા આક્ષેપો બિલકુલ ખોટા હોવાનું જણાવતાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસને તોડવાના ભાજપ પ્રયાસો કરી રહ્યું છે. બાપુનો નિર્ણય તેમનો અંગત છે.
ગાડીની બહાર ત્રિરંગાની ઝંડી લહેરાય અને મંત્રી અંદર લહેરાય

હાલની કેન્દ્રની ભાજપ સરકારને આડેહાથ લેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે આરએસએસમાં સલાહ આપવામાં આવે છે કે સાદગી રાખવી પણ આજે સાદગી ક્યાંય દેખાતી નથી. માત્રને માત્ર પબ્લિસીટી જ દેખાય છે. પ્રજાના કરોડો રૂપિયા ખર્ચીને માત્ર પબ્લિસીટી કરવામાં આવે છે. આજે લાલબત્તી હટાવીને ફોટા પડાવીને પ્રચાર કરવામાં આવે છે. ર૦ વર્ષ પહેલા લાલબત્તી મે હટાવી હતી પણ તમારી જેમ ફોટા પડાવા માટે નહીં ર૦ વર્ષ પહેલા જ મને ધ્યાને આવ્યું હતું કે મંત્રીઓની ગાડીની ઉપર લાલ લાઈટ અને બહાર ત્રિરંગાની ઝંડી લહેરાય અને મંત્રી ગાડીમાં લહેરાય એટલે જ આ લાલબત્તી અમે દૂર કરી હતી. તેવી જ રીતે રાઈટ ટુ ઈન્ફર્મેશનનો કાયદો પણ મારો સુચન કરેલો જ મુદ્દો છે.

શંકરસિંહ વાઘેલાએ શું કહ્યું

કોઇપણ પક્ષમાં જોડાશે નહીં પરંતુ પ્રજાલક્ષી પ્રશ્નોને લઇને હંમેશા લડત ચલાવશે.
સામાન્ય માણસને મારી જરૂર પડશે ત્યારે અડધી રાત્રે ખભાથી ખભો મિલાવીને ઊભો રહીશ
ભાજપ અને કોંગ્રેસ બંનેમાં લોકસેવાના ઇરાદા સાથે જોડાયો હતો.
કોંગ્રેસમાંથી કઢાવવા માટે કેટલાક નેતાઓએ પ્લાનિંગ કર્યું હતું. કોંગ્રેસ આવે અને બાપુ જાય છે તેવી વાતો વહેતી કરાઈ હતી.
ભાજપ છોડતા સમયે જે રીતે વિચલિત હતો તેવો કોંગ્રેસ છોડતી વખતે છું.
કોંગ્રેસ પાર્ટીમાં સરમુખત્યારની સ્થિતિ પ્રવર્તી રહી હતી. તેમને સાંભળવામાં આવી રહ્યા ન હતા.
ક્યારે પણ કોઇ અવિવેકથી નિવેેદન કર્યું ન હતું.
જાહેર જીવનમાં આગેવાની કરવા માટે મૂલ્ય બોધ અને ભાષા વિવેક જરૂરી છે.
ગુજરાતના અને દેશના રાજકારણમાં સક્રિય ભૂમિકા નિભાવતી વેળા ગુજરાતની અસ્મિતા અને ગરવી ગુજરાતનું બહુમાન કરવાનું ચૂક્યો નથી.
શંકરસિંહ વાઘેલા જાય તો આગળથી એક દાવેદાર ઓછો થાય અને અમારો નંબર લાગે તેવા એક લીટીના એજન્ડા સાથે પ્રદેશ નેતાગીરી કોંગ્રેસ આવે છે ના બદલે બાપુ જાય તેમ કહી રહી હતી.
હું મુખ્યમંત્રીની રેસમાં નથી તેવું અનેક વખત સ્પષ્ટતા કરાઈ હોવા છતાં બિનજરૂરી હોબાળો કરાઈ રહ્યો હતો.
વિધાનસભા વિરોધ પક્ષના નેતા પદેથી અને ધારાસભ્ય તરીકે પણ રાજ્યસભાની ચૂંટણી બાદ રાજીનામુ આપું છું.
જાહેર જીવનની કારકિર્દી દરમ્યાન હું કોઇની પાસે ક્યારે ટિકિટ લેવા ગયો નથી.
ટિકિટ વહેંચી છે અને શોધી શોધીને સારા માણસોને જાહેર જીવનમાં સક્રિય કર્યા છે.
ક્યારે સ્વકેન્દ્રી રાજકારણ રમ્યો નથી.
પક્ષીય રાજકારણ છોડી રહ્યો છું જાહેર જીવન નહીં.
ગુજરાતની પ્રજા જ મારી હાઈકમાન્ડ માની હું કોંગ્રેસ કે ભાજપના પક્ષીય રાજકારણમાંથી મુક્ત થઇ રહ્યો છું.
કોમનમેન હોવાની વાત કરી.
મારી ગુજરાતની પ્રજા જ મારી હાકમાન્ડ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks