વડોદરા ભાજપના અગ્રણી ઉપેન્દ્રસિંહ ગોહિલ ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા. ૨૨
વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ભાજપ-કોંગ્રેસમાં આવન-જાવન શરૂ થઈ જવા પામેલ છે. વડોદરા જિલ્લા ભાજપના આગેવાન અને પૂર્વ મંત્રી તેમ જ ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકેલા ઉપેન્દ્રસિંહ ગોહિલ આજે વિધિવત રીતે ભાજપ સાથેનો છેડો ફાડી કોંગ્રેસ પક્ષમાં જોડાઇ ગયા હતા. ઉપેન્દ્રસિંહ ગોહિલની સાથે સાથે વડોદરા જિલ્લાના ભાજપના અગ્રણી નેતાઓ તખતસિંહ ભગત, માજી જિલ્લા પંચાયત સભ્ય લાલજીભાઇ સહિતના આગેવાનો પણ મોટી સંખ્યામાં કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા.
કોંગ્રેસમાં જોડાયા બાદ ઉપેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ભાજપની નીતિ-રીતિ પ્રજા વિરોધી છે અને હાલ ભાજપમાં કોઇના પર ભરોસો રાખી શકાય તેવી સ્થિતિ નથી, ત્યારે પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને હું કોંગ્રેસમાં જોડાઉ છું, કારણ કે, કોંગ્રેસ એ લોકોની પાર્ટી છે. દરમ્યાન વડોદરા જિલ્લા ભાજપના અગ્રણી નેતા ઉપેન્દ્રસિંહ ગોહિલ સહિતના નેતાઓ અને કાર્યકરોને ભાજપમાંથી કોંગ્રેસમાં આવકારતાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ૨૦૧૭માં નવસર્જન ગુજરાતનું કોંગ્રેસનું લક્ષ્ય સૌના સહકારથી સિધ્ધ થશે. ભાજપની ભેદભાવભરી નીતિથી સૌ વાકેફ છે. ત્યારે આજે ભાજપ છોડીને કોંગ્રેસની વિચારધારાને અપનાવનાર સૌેનું હૃદયપૂર્વક સ્વાગત કરૂ છું. નવા જોડાયેલા તમામ લોકોનું કોંગ્રેસમાં ધ્યાન રાખવામાં આવશે એવી હૈયાધારણ પણ સોંલકીએ આપી હતી. તેમણે ઉમેર્યું કે, રાજયની ભાજપ સરકારની પ્રજા વિરોધી નીતિના કારણે સર્વ સમાજ, સર્વ વર્ગના લોકો પરેશાની અનુભવી રહ્યા છે. ભાજપ સરકાર દ્વારા જે રીતે ખેડૂતો, વેપારીઓ, યુવાનો, મહિલાઓ અને વિદ્યાર્થીઓની સાથે સાથે સામાન્ય તથા મધ્યમવર્ગના લોકોને જે અન્યાય થઇ રહ્યો છે તેને લઇ રાજયભરમાં ભાજપ સામે ઉગ્ર આક્રોશ છે. હાલ ભાજપે જનમાનસ પર એક નકારાત્મક રાજનીતિની છાપ ઉભી કરી છે. ગુજરાતની સંસ્કૃતિ અને સંસ્કારને માન આપતાં ગુર્જરધરાના ગુજરાતીઓ ભાજપની ગુંડાગર્દી અને સરમુખત્યારશાહીથી ત્રાહિમામ્‌ પોકારી ગયા છે. આવી અરાજકતા અને અવ્યવસ્થાથી કંટાળી ભાજપનો છેડો ફાડનાર આ આગેવાનોએ કોંગ્રેસના નવસર્જન ગુજરાતના સ્વપ્નને સાકાર કરવાનો સંકલ્પ કર્યો હોવાનું પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks