વડોદરા,તા.૧૦
વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૧ની પેટાચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજ્ય થતાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખે શહેર કોંગ્રેસ સમિતિના તમામ ૧૮૦ જેટલા હોદ્દેદારોને તેઓના હોદ્દા ઉપરથી દૂર કરી દેતા કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે. આ નિર્ણય અંગે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે, હોદ્દેદારો હોદ્દા લઈને ઘરે બેસી રહેતા હોવાથી આ આકરો નિર્ણય લેવાની ફરજ પડી છે. અલબત્ત કોર્પોરેશનના વિપક્ષી નેતા અંગે પણ પ્રદેશમાં ધ્યાન દોરવામાં આવશે.
વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે, વોર્ડ નંબર ૧૧ની પેટાચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો છે. જનાદેશને અમે સ્વીકારીએ છીએ. પરંતુ વોર્ડ નંબર ૧૧માં વિકાસ કામો થયા નથી. તેમ છતાં કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો તેનો ફાયદો ઉઠાવીને મતદારોને કોંગ્રેસ તરફી મતદાન કરાવવામાં ધરાર નિષ્ફળ ગયા હતા. જેના કારણે કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો છે.
કોંગ્રેસ માટે કામ કરવા માટે પ્રતિબદ્ધ છે અને કામ કરી રહ્યા છે. તેવા યુવાઓને નવી સમિતિમાં પ્રાધાન્ય આપવામાં આવશે અને બનનારી નવી યુવા બ્રિગેડ દ્વારા વડોદરા શહેરમાં સંગઠનને મજબૂત કરવામાં આવશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પેટા ચૂંટણીમાં સંગઠન નબળુ પડ્યું છે. તેવી વાત નથી. વડોદરા શહેર કોંગ્રેસ સમિતિમાં ફેરફાર કરવાની જરૂરિયાત હતી. જેથી આજે શહેર કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારોને તેઓના હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવ્યા છે અને આગામી ૧પ દિવસમાં નવી સમિતિની રચના કરવામાં આવશે.