(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૩
વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે નોટબંધીની નિષ્ફળતાનાં મુદ્દે કલેકટર કચેરી પાસે ધરણા યોજી દેખાવો કર્યા હતા.
વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે, નોટબંધીથી દેશનું અર્થતંત્ર ખતમ થઇ ગયું છે. બેકારીમાં વધારો થયો છે. કાળુ નાણું પરત લાવવાને બદલે દેશમાં કાળુ નાણું વધી ગયું છે. આતંકવાદ વધ્યો છે. દેશના વડાપ્રધાને તેઓની મનની વાતમાં કરેલી વાતો માત્રને માત્ર દેશની પ્રજાને ગેરમાર્ગે દોરનારી સાબિત થઇ છે. આ ધરણાનાં કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ (મુખી), વિરોધ પક્ષનાં નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ (ભથ્થુ), પાદરાના ધારાસભ્ય જસપાલસિંહ, કોંગ્રેસ અગ્રણી સત્યજીત ગાયકવાડ, ભીખાભાઇ રબારી, મહિલા કાર્યકરો સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા અને નોટબંધી સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ધરણાનાં કાર્યક્રમને પગલે થોડીવાર માટે ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયા હતા.