વડોદરાના કારેલીબાગ વિસ્તારમાંંથી દબાણો દૂર કરાયા : ઓટલા, પગથિયા તોડાયા

(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૬
શહેરની વિવિધ બિલ્ડીંગોમાં પાર્કિંગની જગ્યામાં ઉભા થયેલા દબાણ હટાવવાનું અભિયાન કોર્પોરેશન દ્વારા હાથ ધરાયું છે. ત્યારે આજે દબાણ શાખાએ કારેલીબાગ વિસ્તારમાં આવેલા મુકતાનંદ ત્રણ રસ્તા પાસે ટ્રાફિકને નડતરરૂપ હોય તેવા દબાણો દુર કર્યા હતા. અમુક સામાન જપ્ત કરવા સાથે કેટલીક જગ્યાએ ઓટલા, પગથીયા તોડવામાં આવ્યા હતા.
શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા હાઇરાઇઝ બિલ્ડીંગ અને મોલમાં પાર્કિંગની જગ્યામાં દબાણો ઉભા થતા અહીં પાર્કિંગની સમસ્યા જટીલ બની હતી. જેથી કોર્પોરેશનનાં ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા આવી સંખ્યાબંધ બિલ્ડીંગોને નોટીસ આપી નડતરરૂપ દબાણ દુર કરવાની સૂચના આપી હતી. કેટલીક જગ્યાએ દબાણ યથાવત રહેતા ટાઉનપ્લાનીંગ વિભાગે દબાણ શાખા સાથે મળી ત્યાં તોડફોડ શરૂ કરી છે.
આજે દબાણશાખાએ મુકતાનંદ ત્રણ રસ્તા પાસે આવેલ કાશીધામ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં મુકવામાં આવેલ ટેબલ તેમજ અન્ય સામાન જપ્ત કરી પાર્કિંગની જગ્યા ખુલ્લી કરાવી હતી. તેવી જ રીતે બાજુમાં આવેલ સાંઇ સમૃદ્ધિ કોમ્પલેક્ષના ઓટલા તોડવાના શરૂ કર્યા હતા. ત્યારે અહીંના વેપારીઓ દ્વારા અન્ય કામગીરી કરવાની હોઇ તેઓ દ્વારા આગામી થોડા દિવસમાં ઓટલાનું દબાણ સ્વૈચ્છિક રીતે દુર કરાશે તેવી બાંહેધારી અપાવતા દબાણ શાખાએ તેમને મુદત આપી હતી. જે બાદ સંગમ ચાર રસ્તા સુધી આવેલ બિલ્ડીંગોમાં પાર્કિંગની જગ્યા ખુલ્લું કરાવવાનું અભિયાન હાથ ધરાયું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts