વડોદરામાં બાબાસાહેબ સંકલ્પ ભૂમિના સ્મારકના નિર્માણ માટે ૧૨ કરોડની ફાળવણી

(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૧
વડોદરા બાબાસાહેબની પ્રારંભિક કર્મભૂમિ રહી છે અને વડોદરાના સયાજીરાવ ગાયકવાડની શૈક્ષણિક શિષ્યવૃત્તિએ તેમનું શૈક્ષણિક સક્ષમીકરણ કર્યું હતું. તેની યાદ અપાવતા રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી આત્મારામ પરમારે જણાવ્યું કે, બાબાસાહેબ સંકલ્પ ભૂમિના અદભૂત સ્મારકના નિર્માણ માટે રાજ્ય સરકારે રૂા.૧૨ કરોડની ફાળવણી કરી છે અને જૂના કલ્યાણનગરવાળી જગ્યાએ વિશ્વામિત્રીના કાંઠે ૩ હજાર ચોરસ મીટર જમીન ફાળવી છે. તેમણે જણાવ્યુ હતું કે, રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી શનિવાર તા.૨૩/૦૯/૨૦૧૭ના રોજ, સંકલ્પ દિવસ શતાબ્દિને અનુલક્ષીને સવારના ૧૦ઃ૦૦ વાગે સયાજીબાગમાં આવેલી બાબાસાહેબ સંકલ્પ ભૂમિ ખાતે પુષ્પાંજલિ આપીને તેમની વંદના કરશે તે પછી જૂના કલ્યાણનગરવાળી જગ્યાએ સ્મારક નિર્માણ માટે ભૂમિપૂજન કરશે અને તે પછી આજવા રોડ પર આવેલા લેપ્રસી મેદાન ખાતે સંકલ્પ દિવસ શતાબ્દિ જનસભાને સંબોધન કરશે. મંત્રીએ જણાવ્યું હતું કે, કોર્પોરેશને આપેલી જમીન પર સયાજી બાગની સંકલ્પ ભૂમિ ખાતે વટવૃક્ષ અને મનોમંથન મુદ્રામાં બાબાસાહેબનું સુંદર શિલ્પ મૂકવામાં આવશે. મુખ્યમંત્રી બુદ્ધિસ્ટ કોન્ફરન્સમાં થોડોક સમય વિતાવશે. ઉચ્ચકક્ષાના શિલ્પ સ્થાપત્ય અને શ્રેષ્ઠતમ ટેકનોલોજીના વિનિયોગથી બનનારૂ બાબાસાહેબ સંકલ્પ ભૂમિ સ્મારક વડોદરાને એક નવી અને આગવી ઓળખ આપશે એવી લાગણી વ્યક્ત કરતા મેયર ભરતભાઇ ડાંગરે જણાવ્યું હતું કે, લાંબા સમયથી મહામાનવનું સ્મારક બનવાની રાહ જોવાઇ રહી હતી. આ પ્રતિક્ષા હવે પૂરી થશે તેમણે કલા અને સંસ્કૃતિની નગરી વડોદરાને બાબાસાહેબ સંકલ્પ ભૂમિ સ્મારક દ્વારા વૈશ્વિક દરજ્જો અપાવવા માટે રાજ્ય સરકારને ધન્યવાદ આપ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts