વડોદરામાં ભાજપ મહિલા કાર્યકર લાજશરમ વગર શ્રમજીવીઓના ટિફિન રૂા.૩૦માં વેચે છે !!

(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૫
બાંધકામ શ્રમજીવી કલ્યાણ બોર્ડ દ્વારા લાભાર્થીઓને મફતમાં ટિફિન આપવાની જાહેર કરેલી યોજનાના ટિફિનો મેળવી સમા વિસ્તારમાં ભાજપની મહિલા કાર્યકર રૂપિયા ૩૦ વસૂલ કરી લાજશરમ વગર વેચતી હોવાની ચોંકાવનારી વિગત બહાર આવતા કોંગ્રેસના કાર્યકરો અને લાભાર્થીઓએ ભાજપની એ મહિલા કાર્યકરને નિવાસસ્થાને આજે મોરચો લઈ ઉહાપોહ મચાવ્યો હતો. શહેર કોંગ્રેસના અગ્રણી અને એડવોકેટ શૈલેષ અમીનના જણાવ્યા અનુસાર ઉપરોક્ત યોજના હેઠળ સરકાર શ્રમજીવી લાભાર્થીઓને મફતમાં ટિફિન આપવાની યોજના અમલમાં મૂકી છે. ન્યુ સમા રોડ ઉપર પ્રજાપતિભવન પાછળ આવેલી સચ્ચિદાનંદ સોસાયટીમાં રહેતા ભાજપના મહિલા કાર્યકર દ્વારા શ્રમજીવી કલ્યાણની સયાજીગંજ મનુભાઈ ટાવર કચેરીએથી ૩૫૦ ટીફીન મેળવી લીધા હતા અને ઘેર-ઘેર ફરી શ્રમજીવી લાભાર્થીઓ પાસેથી રૂપિયા ૩૦ વસૂલ કરી ટિફિનોનું રીતસર વેચાણ કર્યું હતું. કેટલાક જાગૃત શ્રમજીવીઓને આની જાણ થતાં તેમણે વોર્ડ નં.રમાં કોંગ્રેસના કાર્યકર ચિરાગ કડિયાના ધ્યાન ઉપર લાવતા શ્રમજીવી અને અન્ય કાર્યકરો સાથેનો મોરચો ભાજપની મહિલા કાર્યકરનો નિવાસસ્થાને પહોંચી હોબાળો મચાવ્યો હતો. મહિલા કાર્યકરે જવાબ આપ્યો હતો કે, ટિફિનો માટે ઘેર-ઘેર ફરી ફોર્મ ભરાવેલા અને ટિફિનોના ટ્રાન્સપોર્ટેશન ખર્ચ મળી રૂપિયા ૩૦ લેવામાં આવે છે. આથી ચિરાગ કડિયાએ શ્રમજીવી કલ્યાણ બોર્ડના અધિકારી વ્યાસને ફોન દ્વારા જાણ કરતા તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે, અમે કોઈ મહિલાને ટિફિન વિતરણનું કામ સોંપેલુ નથી. મોરચાના ઉગ્ર સ્વરૂપને પારખી ભાજપ મહિલા કાર્યકરનું ઉપરાણું લેવા માટે કોર્પોરેટર અરવિંદ પ્રજાપતિ અને પન્નાબેન દેસાઈ દોડી આવ્યા હતા અને લાભાર્થી શ્રમજીવીઓને ધમકાવવા લાગ્યા હતા. સરકારની યોજનાનો લાભ સેવાના ભાગરૂપે લાભાર્થીઓ સુધી પહોંચાડવાને બદલે તેમાંથી કમાણી કરતા ભાજપના કાર્યકર મહિલાની પોલ ઉઘાડી પડી હોવા છતાં લાજ-શરમ અનુભવ્યા વગર રૂપિયા ૩૦ વસૂલ કરી શ્રમજીવીઓને ટિફિન વેચાતું આપી રહ્યા છે તેવી વિગત જાણવા મળી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks