(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૬
વર્ષોથી સમાન કામ સમાન વેતન સહિતની પડતર માગણીઓ સાથે વડોદરા કલેક્ટર કચેરી સામે છેલ્લા ૧૭ દિવસ ઉપરાંતથી આમરણાંત ઉપવાસ આંદોલન કરી રહેલી આશાવર્કર બહેનો અને પોલીસ વચ્ચે આજે થયેલા ઘર્ષણને લીધે ચાર મહિલા આશાવર્કર બહેનો બેભાન થતાં હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી છે. સરકાર પોલીસ મારફતે બળનો પ્રયોગ કરી આંદોલન તોડી પાડવા માંગે છે. તેવી લાગણી આશાવર્કર બહેનોએ વ્યક્ત કરી હતી. આંગણવાડી સહિત સરકારની વિવિધ યોજનાઓ તેમજ સરકારના કાર્યક્રમોમાં ભીડ બતાવવા સહિતના કામો કરનાર આશાવર્કર બહેનોને સરકાર લઘુત્તમ વેતન ધારા પ્રમાણે પગાર પણ આપતી નથી. આથી સમાન વેતન સમાન કામની માગણી સાથે છેલ્લા ૧૭ દિવસ ઉપરાંતથી કોઠી કચેરી ખાતેના કંપાઉન્ડમાં હડતાળ ઉપર ઉતર્યા છે. પરંતુ સરકાર તરફથી હજુ સુધી સમજૂતી દાખવવામાં આવી નથી. એ તબક્કે કોઠી કચેરીના મુખ્ય પ્રવેશદ્વારો બંધ કરી દરવાજા વચ્ચે બેઠક જમાવી સાંજના સમયે અધિકારીઓને જવા દીધા ન હતા ત્યારબાદ ધારાસભ્ય જીતુ સુખડિયાના નિવાસસ્થાને પહોંચી દેખાવો કર્યા હતા. આજે સાંજે સયાજીગંજ ખાતે દેખાવનું આયોજન કર્યું હતું ત્યારે પોલીસ સાથે ઘર્ષણ થતાં ચાર આશાવર્કર બહેનો બેભાન થઈ જતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તમામ બહેનોએ ગાંધી ટોપી પહેરી વિરોધ વ્યક્ત કર્યો હતો. છતાં પોલીસે બળનો પ્રયોગ કર્યો હતો. વિરોધ વ્યક્ત કરી રહેલી બહેનોએ જણાવ્યું હતું કે સરકાર સ્ત્રી સશક્તિકરણની વાતો કરે છે. બીજી તરફ શોષણ કરે છે. લઘુત્તમ વેતન ધારો અમલમાં છે. તેનો લાભ આશાવર્કર બહેનોને કેમ આપવામાં આવતો નથી. બહેનો સરકારની દરેક યોજનાના કામો પાર પાડવા ખડેપગે રહે છે છતાં પગાર ઓછો આપી કામ વધુ કરાવે છે. તેનો અમે વિરોધ કરી રહ્યા છીએ.