(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૨૫
વડોદરા શહેરમાં સબ સલામતના તંત્રનાં દાવા વચ્ચે શહેરનાં વિવિધ વિસ્તારોમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મલેરિયાનાં અનેક કેસો પોઝીટીવ નોંધાયા છે. જેના પગલે પાલિકાનાં આરોગ્ય તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. રોગચાળો ન વકરે તે માટે કોંગ્રેસનાં કાઉન્સિલરે મ્યુ. કમિશ્નરને પત્ર લખી રજુઆત કરી છે.
સમગ્ર રાજ્યમાં સ્વાઈનફલુએ કહેર મચાવ્યા બાદ હવે ડેન્ગ્યુ, ચીકનગુનિયા અને મલેરિયાએ માથુ ઉચક્યું છે. વડોદરામાં ૪૭ નિર્દોષ લોકોનાં જીવ લેનાર સ્વાઈનફલુનાં જોર હાલમાં ઘટ્યુ છે ત્યારે ડેન્ગ્યુ, ચિકનગુનીયા અને મલેરિયા જેવા જીવલેણ રોગ જાણે શહેરને ભરડામાં લેવાનો પ્રયાસ કર્યો છે. હાલમાં વડદોરા શહેરમાં સરકારી તેમજ ખાનગી હોસ્પીટલોમાં જીવલેણ એવા ડેન્ગ્યુનાં કેસોમાં નોંધાપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. જે અંગે ચિંતા વ્યક્ત કરતાં કોંગ્રેસના કાઉન્સિલર ચિરાગ ઝવેરીએ મ્યુ. કમિશ્નરને પત્ર લખી રોગચાળાને ડામવા માટે યુધ્ધના ધોરણે કામગીરી કરવામા આવે આવે તેવી રજુઆત કરી છે. તેઓએ પત્રમાં જણાવ્યું છે કે, માંજલપુર વિસ્તારમાં આવતા સિતાબાગ સોસાયટી, કુબેરનગર, સંજયપાર્ક, પ્રિતલકુંજ, સાંઈનાથ હાઉસિંગ અને મોનાલિસામાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનાં દર્દીઓનો વધારો થયો છે. જો આ વિસ્તારોમાં યુધ્ધના ધોરણે કામગીરી કરવામાં નહિં આવે તો રોગચાળો ફેલાશે તેવી દહેશત તેમણે વ્યક્ત કરી છે.