પાટણ,તા.૧ર
રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં તા.૯થી ૧૩ સપ્ટેમ્બર દરમ્યાન ગામેગામ નર્મદા રથનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગઈકાલે સાંજના બહુચરાજી તાલુકાનો નર્મદા રથ બહુચરાજી સર્કલ પાસે આવતા બહુચરાજી તાલુકાના આશરે પ૦ કરતા પણ વધારે ખેડૂતોએ નર્મદા રથને અટકાવતા પોલીસને દરમ્યાનગીરી કરવાની ફરજ પડી હતી. હાજર ખેડૂતોએ મોઢા ઉપર કાળીપટ્ટી બાંધી માથે સરદાર ટોપી પહેરી અને હાથમાં બેનરો સાથે નર્મદા રથનો વિરોધ કરી પાટીદાર અનામત આંદોલન દરમ્યાન શહીદ થયેલ ૧૪ યુવાનોના પરિવારોને ન્યાય આપવા, ઉત્સવો પાછળના તાયફાઓ બંધ કરવા સાથેના સૂત્રોચ્ચારથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રથમાં ઉપસ્થિત બહુચરાજીના ધારાસભ્ય રજની પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય મહેન્દ્ર પટેલ તથા ભાજપના સંગઠનના કાર્યકરો તેમજ ખૂબ જ અલ્પસંખ્યામાં હાજર લોકોની હાજરીમાં રથનું સમાપન કરી દેવામાં આવ્યું હતું. સમગ્ર બહુચરાજી તાલુકામાં નર્મદા રથને ગામેગામથી વિરોધના સૂરનો સામનો કરવો પડી રહ્યો છે જો કે, પોલીસની દરમ્યાનગીરી બાદ મામલો શાંત પડયો હતો.