કાયદાના રક્ષક જ ભક્ષક બને ત્યારે જ ગુનેગારોને છૂટો દોર મળે
(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧
વિદેશમાં વસતા નાગરિકોને ટેક્સ ભરવાની ધાક ધમકી આપી પૈસા પડાવતા ગેરકાયદેસર કોલ સેન્ટરનો અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ પર્દાફાશ કર્યો છે. બાવળા ખાતે પકડાયેલા બોગસ કોલ સેન્ટરમાંથી એક યુવતી સહિત ૧૩ લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે. જો કે ગેરકાયદે કોલસેન્ટર ચલાવવામાં એક પોલીસ કોન્સ્ટેબલ પણ સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે. જ્યારે કાયદા અને કાનૂનના રખવાળા જ કાયદાનો ભંગ કરે ત્યારે ગુનેગારોને છૂટો દૌર મળી જાય તેમાં નવું શું છે ? ચોક્કસ બાતમીના આધારે અમદાવાદ ગ્રામ્ય એસઓજીની ટીમે બાવળા-સાણંદ રોડ પર આવેલા સાંઈ ક્રિસ્ટલ કોમ્પલેક્ષમાં રેઈડ પાડી એક યુવતી સહિત ૧૩ લોકોને ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતા ઝડપી પાડ્યા હતા. આ કોલ સેન્ટરમાં ઈન્ટરનેશનલ સર્વિસના નામે કોમ્પ્યુટર, મેજીક જેક ડી.આઈ.ડી. સોફ્ટવેર દ્વારા યુએસમાં વસતા નાગરિકોને ફેડરલ ઈન્કમટેક્ષ ભરવા માટે ધાકધમકી આપતા હતા ત્યારબાદ ટેક્ષ ભરવા બીક બતાવી ટાર્ગેટ સ્ટોર્સ તથા વોલમાર્ટ જેવા યુએસના મોટા સ્ટોરમાંથી ટાર્ગેટ કાર્ડ મારફતે પૈસા પડાવી છેતરપિંડી કરતા હતા. પોલીસે ૧૭ નંગ કોમ્પ્યુટર, કલર પ્રિન્ટર, ર નંગ મેજીક જેક, ૧૬ મોબાઈલ ફોન સહિત કુલ ૬,૯૯,પ૦૦નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ આદરી છે. પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે આ કોલસેન્ટરમાં અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતાં પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ રૂપસિંહ પઢેરિયા પણ ગેરકાયદે એક્ટિવિટીમાં જોડાયેલો છે. તેથી પોલીસે કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ સહિત ૧૩ લોકોને ઝડપી પાડ્યા છે જ્યારે કોલ સેન્ટરનું મુખ્ય સંચાલન કરનારા આરોપી મૃણાલસિંહ ઉર્ફે મોન્ટુ રાજેન્દ્રસિંહ સોલંકી અને શિવમ શર્માને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે તેમજ તા.૧૧ ફેબ્રુઆરી ર૦૧૭થી બાવળામાં શરૂ થયેલા આ ગેરકાયદે કોલસેન્ટરના આરોપીઓએ અત્યાર સુધીમાં કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે ? તે દિશામાં તપાસ આદરી છે.