ગીર-સોમનાથ જિ.માં પીવાના પાણીની સમસ્યા હલ કરાશે : બાવળિયા

વેરાવળ, તા. ૯
સરકારમાં તાજેતરમાં નવા નિમાયેલા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષસ્થાને સરકીટ હાઉસ વેરાવળ ખાતે ગીર સોમનાથ જિલ્લાના પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ સાથે જિલ્લાની પીવાના પાણીની સ્થિતિની ચર્ચા-સમીક્ષા માટે બેઠક યોજાઈ હતી.
બેઠકમાં પીવાના પાણી અંગે સમીક્ષા કરી મંત્રી બાવળીયાએ કહ્યું કે, સરકાર દ્વારા પીવાના પાણી માટે અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તમામ લોકોને પીવાનું પાણી સરળતાથી મળી રહે તે માટે સરકાર પ્રતિબધ્ધ છે. પાણી પુરવઠા વિભાગ અને વાસ્મોની યોજનાથી સરકાર લોકોના ઘર સુધી પાણી પહોચાડવા માટે પ્રયત્નશીલ છે.
ગ્રામ્ય વિસ્તારોમાં પીવાનાં પાણી અંગેની કોઇ ફરીયાદ હોય તો તાલુકા મથકે નોંધવા જણાવી અરજદારોને જિલ્લાકક્ષા સુધી આવવું ન પડે તે માટે તાલુકા મથકે ફરીયાદ રજીસ્ટર નિભાવવાં અને ફરીયાદનું નિવારણ તાત્કાલીક કરવા અધિકારીઓને મંત્રી બાવળીયાએ તાકીદ કરી હતી. તેઓએ વધુમા ઉમેર્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લાના છેવાડાના લોકો સુધી પીવાનું પાણી પુરતા પ્રમાણમાં મળી રહે તેના માટે તંત્રએ વહીવટી પ્રક્રિયા ઝડપી બનાવી છે. લોકો સુધી પીવાનું પાણી પહોચાડવામાં કોઈપણ પ્રકારની મુશ્કેલી પડે તો તેનું તાત્કાલિક નિવારણ કરવામાં આવશે. તેમજ ગીર સોમનાથ જિલ્લામાં જંગલખાતાના વિસ્તારમાં પાણી પહોચાડવા માટે કોઈ મુશ્કેલી હોય તો તેનો પણ સરળતાથી નિકાલ કરી જિલ્લાના તમામ ગામોમા પાણી પહોંચાડવાની યોજનાઓને આવરી લેવામાં આવશે. ગીર સોમનાથ જિલ્લામા પીવાના પાણી માટેનો મુખ્ય સ્ત્રોત ડેમ છે બાકીના વિસ્તારોમાં વાસ્મો અને પાણી પુરવઠાની યોજનાઓને આવરી લઈ પાણી પહોચાડવામાં આવે છે. આ બેઠકમાં પાણી પુરવઠાના મુખ્ય ઈજનેર એન.એમ.પટેલે ગીર સોમનાથ જિલ્લાના પાણીના કામોની વિગત આપતા જણાવ્યું કે, જિલ્લાનાં ૩૮૩ ગામોમાં સરકારની વિવિધ યોજના દ્વારા પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે. બેઠકમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ચુનીભાઈ ગોહેલ, પુર્વમંત્રી જશાભાઈ બારડ, પ્રવાસન નિગમના ડિરેકટર ઝવેરીભાઈ ઠકરાર, બીજ નિગમના ચેરમેન રાજશીભાઈ જોટવા, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, કે.સી.રાઠોડ, નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન સુયાણી, કાર્યપાલક ઈજનેર સાહુ, અધિક્ષક ઈજનેર મલેક, વાસ્મો કાર્યપાલક ઈજનેર સિંધલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહી જિલ્લાની પીવાના પાણીની સ્થિતિની ચર્ચા-સમિક્ષામાં સહભાગી થયા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks