(એજન્સી) નવી દિલ્હી, તા.ર૮
દિલ્હીના બવાના વિધાનસભા સીટ પર ર૩ ઓગસ્ટે થયેલ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને બંપર જીત મળી છે. આપ ઉમેદવાર રામચંદ્રએ ભાજપના ઉમેદવાર વેદપ્રકાશને ર૪,૦પર વોટોથી હરાવીને બવાના સીટ પર જીત હાંસિલ કરી હતી. તેઓને પ૯,૮૮૬ વોટ મળ્યા. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું આ એક બુસ્ટર શોટ હતો. આ સીટ પર હરીફાઈ ખૂબ જ રોમાંચિત રહી હતી. શરૂઆતમાં કોંગ્રસ આગળ ચાલી રહી હતી પણ ગણતરીના ૧૧માં રાઉન્ડ બાદ કોંગ્રેસ બીજા નંબર પર જતી રહી અને આપ ખૂબ જ આગળ નીકળી ગઈ હતી. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર રામચંદ્રને કુલ પ૯,૮૮૬ વોટ મળ્યા. જે કુલ વોટના ૪પ.૩૯ ટકા છે. ભાજપના વેદપ્રકાશ ૩પ,૮૩૪ વોટ સાથે બીજા નંબર પર રહ્યા જ્યારે ત્રીજા નંબર કોંગ્રેસના ઉમેદવારને કુલ ૩૧,૯૧૯ વોટ મળ્યા. દિલ્હીમાં મતદારોને ધ્યાનમાં લેતાં સૌથી મોટા વિધાનસભા ક્ષેત્રમાં ર૩ ઓગસ્ટે મતદાન થયું હતું. માત્ર ૪પ ટકા મતદાતાઓએ પોતાના મતદાન અધિકારનો ઉપયોગ કર્યો હતો. ર૦૧પમાં આ સીટ માટે ૬૧.૬૩ ટકા મતદારોએ પોતાના મતદાન અધિકારનો ઉપયોગ કર્યો તે વખતે આપના વેદપ્રકાશે આ સીટ પર જીત મેળવી હતી જે પછી ભાજપમાં જતા રહ્યા હતા. જીત મળ્યા બાદ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી જનતાને શુભેચ્છા પાઠવી હતી. કેજરીવાલે લખ્યું કે આમ આદમી પાર્ટીની સ્વચ્છ રાજનીતિ અને ગત દોઢ વર્ષના કામ પર મોહર લગાવવા માટે બવાનાની જનતાનો આભાર. દિલ્હી મિનિસ્ટર સત્યેન્દ્ર જૈને કહ્યું કે આમ આદમીને જીતાડવા બદલ લોકોનો આભાર. વીવીપીએટી (વોટર વેરીફિએબલ ઓડિટ ટ્રાયલ)નો ઉપયોગ કરવા બદલ આભાર. ભાજપને હવે હરાવવાની છે. તેમની આ ટિપ્પણી આમ આદમી પાર્ટી દ્વારા વોટિંગ મશીનોની ગરબડ અંગે જે આક્ષેપો કરવામાં આવ્યા હતા તેને અનુરૂપ છે. મેં કેજરીવાલને કહ્યું હતું કે મને વાત કરવા દો મોદી સાથે. બિનજરૂરી લડાઈ ના કરો અને તેમણે માન્યું તો પરિણામ તમારી સામે છે. આ પેટાચૂંટણી બાદ ર૦૧૯ની ચૂંટણી માટે પણ લોકોનો અભિપ્રાય જોવા મળી રહ્યો છે. ભાજપ ર૦૧૪ની જેમ લોકસભાની બધી સાત સીટો જીતી લેશે એવી આશા રાખીને બેઠી છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી બવાના ચૂંટણીના પરિણામો ધ્યાનથી જોવે. આજની જીત બાદ આપ પાસે રાજ્ય વિધાનસભાના ૭૦ મેમ્બરોમાંથી ૬૬ ધારાસભ્યો છે. હજી પણ ચૂંટણીમાં આપે ૬૭ સીટો પર જીત મેળવી હતી અને ભાજપને માત્ર ત્રણ સીટોથી સંતુષ્ટ થવું પડ્યું હતું. ચાલુ વર્ષની પેટાચૂંટણીમાં ભાજપને આશા હતી કે તેઓ આજે એક સીટ છીનવી લેશે પણ ભાજપનો આખો દાવ ઉલ્ટો પડ્યો હતો. દિલ્હીના મુખ્યમંત્રી અને પાર્ટીના મુખ્ય નેતાઓ બવાનામાં ખૂબ મોટાપાયે અભિયાન ચલાવ્યું હતું. કેજરીવાલે દરેક રવિવારે સભા યોજીને મતદારોને પોતાની તરફ ખેંચ્યા હતા જેથી તેમનો ભારે બહુમતથી વિજય થયો હતો.