અમદાવાદ, તા.ર૮
બાવળા ખાતે કોસ્મેટીક ચીજવસ્તુઓના હોલસેલ સેલ્સમેનને ધાકધમકી આપી ૧.૯૪ લાખની લૂંટ ચલાવનાર ચાર યુવકોને પોલીસે બાવળા-સાણંદ ચોકડી પાસેથી ઝડપી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
બનાવની વિગત અનુસાર બોપલ ખાતે બહુચર ટ્રેડીંગ કંપનીના કોસ્મેટીક ચીજવસ્તુઓના હોલસેલ સેલ્સમેન કમલેશ કાંતિભાઈ ઠાકોર ગત તા.રપ-૮-ર૦૧૭ના રોજ (ઉ.વ.ર૭) બંધ બોડીની બોલેરો ગાડી નં.જી.જે.૦૧ ડી.એકસ.૩૧૮૬માં આ સામાન ભરી બાવળા ખાતે આવેલ દુકાનમાં માલ આવવા જતાં હતા. ત્યારે માલના રૂા.૧.૯૪.ર૩૦ રોકડા લઈ બાવળાથી આગળ ગોકુલ રાઈસ મીલ નજીક પહોંચેલ. તે સમયે પાછળથી બાઈક પર આવેલ ત્રણ ઈસમોએ ઓવરટેક કરી ગાડી ઉભી રાખી બાઈક ગાડી આગળ ઉભી કરી કમલેશભાઈ કંઈ સમજે તે પહેલા ગાડીમાંથી બહાર ખેંચી ગાડીની ચાવી કાઢી લઈ ધાકધમકી આપી. માલસામાનના ૧.૯૪ર૩૦ ભરેલ થેલી આંચકી લૂંટ કરી નાસી છૂટયા હતા. આ અંગે બાવળા પો.સ્ટે.માં ર૦થી રપ વર્ષની ઉંમરના યુવાનો સામે ફરિયાદ નોંધાઈ હતી. આ અંગે એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની વિવિધ ટીમો બનાવી લુટારૂઓની સગડ મેળવવા ચક્રોગતિમાન કર્યા હતા જેમાં બાતમીના આધારે બાવળા-સાણંદ ચોકડી ખાતે વોચ ગોઠવી ચાર યુવકોને ઝડપી લીધા હતા.
પોલીસે ઝડપેલ આરોપીઓમાં સોહિલ ઉસ્માનભાઈ ઈસ્માઈલભાઈ મેમણ (ઉ.વ.ર૧), નિકુલ કચરાજી ઠાકોર (ઉ.વ.૧૯), ઈરફાન ફતેમહંમદભાઈ કરીમભાઈ (ઉ.વ.રર) તમામ રહે. આર્યસમાજ મંદિર, તાલુકા બાવળા) તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર આરોપી ઓ પાસેથી એક બાઈક લૂટની રકમ ૧,૯૪ર૩૦ ત્રણ મોબાઈલ કબજે કર્યા હતા.