National

BBCની ૧૦૦ પ્રભાવશાળી મહિલાઓની યાદીમાં નવાઝુદ્દીન સિદ્દીકીની માતાનું નામ સામેલ

(એજન્સી) નવી દિલ્હી, તા.ર૮
બોલીવૂડના પ્રતિભાશાળી અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી હંમેશા ચર્ચામાં રહે છે પંરતુ હાલ તેઓ કોઈ એવોર્ડ કે પોતાના અભિનયના કારણે નહીં પરંતુ પોતાની માતાના કારણે ચર્ચામાં આવ્યા છે. તેમની માતા મહેરૂન્નીસા સિદ્દીકીનો સમાવેશ સમગ્ર વિશ્વની ટોપ-૧૦૦ મહિલાઓમાં કરવામાં આવ્યો છે. હકીકતમાં બીબીસીએ ર૦૧૭ની સૌથી પ્રભાવશાળી ૧૦૦ મહિલાઓની યાદી જારી કરી છે, તેમાં અલગ અલગ દેશોની મહિલાઓનો સમાવેશ થાય છે. આ પ્રભાવશાળી મહિલાઓની યાદીમાં નવાઝુદ્દીન સિદ્દીકીની માતા મહેરૂન્નીસા સિદ્દીકીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેથી નવાઝુદ્દીન ખૂબ જ ખુશ છે અને તેમણે પોતાના ટ્‌વીટર એકાઉન્ટ પર પોતાની માતા સાથે બ્લેક એન્ડ વ્હાઈટ તસવીર શેર કરતા લખ્યું કે એક નાનકડા ગામની પરંપરાવાદી પરિવારમાં આવનારી તમામ મુશ્કેલીઓ સામે ઝઝુમતા જેણે હિંમત દાખવી. મારી માતા ! ઉલ્લેખનીય છે કે તેમની માતા ૬પ વર્ષીય છે અને યુપીના નાનકડા ગામ સાથે સંબંધ ધરાવે છે. માયાનગરી મુંબઈમાં અભિનયના દમ પર નવાઝ સફળતાના શિખરે પહોંચ્યા છે. બીબીસી દ્વારા જારી કરવામાં આવેલી આ યાદીમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજ, મહિલા અધિકાર કાર્યકર્તા ડો.ઉર્વશી સહાની, બિઝનેસ વુમેન અદિતી અવસ્થી, શિક્ષક અને સામાજિક કાર્યકર્તા તુલિકા કિરણ અને ૧૬ વર્ષીય ભારતીય વિદ્યાર્થી પ્રિયંકા રોયનું પણ નામ સામેલ છે.