ઉરીના સંવેદનશીલ લશ્કરી મથક પર પાકિસ્તાન સમર્થિત આતંકીઓ દ્વારા ભયાનક આતંંકી હુમલા અને ભારત દ્વારા તેનો સજ્જડ જવાબ આપવાની અટકળો વચ્ચે એ ડર હવે વધી રહ્યો છે કે ક્યાંક તેનું આખરી પરિણામ પરમાણુ યુદ્ધ સુધી પહોંચી ન જાય. પાકિસ્તાન આ આખરી વિકલ્પ સુધી જઈ શકે છે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે જણાવ્યું છે કે જો તેમના દેશની સુરક્ષાને ખતરો ઊભો થશે તો તેઓ સામૂહિક નરસંહારના શસ્ત્રોનો ઉપયોગ કરતાં ખચકાટ અનુભવશે નહીં.
અમેરિકન વિદેશ વિભાગના અહેવાલો અનુસાર ભારતની જેમ પાકિસ્તાને પણ અણુ અપ્રસાર સંધિ (એનપીટી) પર હસ્તાક્ષર કર્યા નથી અને પાકિસ્તાન પણ ઝડપથી પોતાના અણુશસ્ત્રોનો ખડકલો વધારી રહ્યું છે. અમેરિકન વિદેશ વિભાગનું માનવું છે કે પાકિસ્તાન પાસે ૧૨૦થી ૧૩૦ જેટલા અણુશસ્ત્રો છે જ્યારે ભારત પાસે ૧૨૦ અણુશસ્ત્રો છે. ભારતના એક વર્ગમાં એવી સમજ વધી રહી છે કે ભારત ‘નો ફર્સ્ટ યુઝ પોલિસી’ની ભૂમિકામાં રહી શકશે નહીં. પાકિસ્તાની જનરલોએ પણ ભવિષ્યમાં કોઈપણ પ્રકારનું ઉતાવળિયું પગલું ભરતા પહેલાં સતર્ક થઈ જવાની જરૂર છે.
એવો પણ ડર પ્રવર્તે છે કે પાકિસ્તાનના અણુશસ્ત્રો જેહાદીઓના હાથ સુધી પહોંચી શકે છે. આ એક એવો ડર છે કે જેને લઈને પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભામાં પોતાના ભાષણ દરમિયાન આંતરરાષ્ટ્રીય સમુદાયને પાકી ખાતરી આપવાનો પ્રયાસ કરવો પડ્યો હતો. તેમણે જણાવ્યું છે કે અમે પરમાણુ શસ્ત્રો અને સુવિધાઓના રક્ષણ અને સંરક્ષણને મજબૂત કરવા માટે ઉપાયો કર્યા છે. તેમણે એવો પણ દાવો કર્યો છે કે પાકિસ્તાનની ભારત સાથે શસ્ત્રોની દોટમાં સામેલ થવાનો કોઈ ઈરાદો નથી. તેમણે એવું પણ જણાવ્યું છે કે અમે અમારા પડોશી દ્વારા આડકતરી રીતે હથિયારોનો સંગ્રહ કરવાની હકીકતની ઉપેક્ષા કરી શકીએ નહીં અને અમે અમારી સુરક્ષાના વિશ્વસનીય ઉપાયો અકબંધ રાખીશું.
ભારતમાં વ્યૂહાત્મક બાબતોના એક નિષ્ણાંતનું કહેવું છે કે પાકિસ્તાની અણુશસ્ત્રો અથવા અણુબોમ્બના કેટલાક ભાગ જેહાદીઓના હાથમાં જવાનો એક એવો ભય છે જેની શક્યતા સંપૂર્ણપણે નકારી શકાય તેમ નથી અને તેના ઘાતક પરિણામો પણ આવી શકે તેમ છે. આ અગાઉ પાકિસ્તાને પરમાણુશસ્ત્રો વહન કરવા માટે સક્ષમ એવા શોર્ટ રેન્જ મિસાઈલ હત્ફ-૯નું પ્રાયોગિક પરીક્ષણ કર્યું છે જેની પ્રહાર ક્ષમતા ૬૦ કિલોમીટરની છે.
પાકિસ્તાની લશ્કરની જનસંપર્ક શાખા ઇન્ટર સર્વિસ પબ્લિક રિલેશન્સ દ્વારા એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે આ સિસ્ટમ અણુશસ્ત્રોની ક્ષમતાથી સજ્જ છે અને પોતાના રક્ષણ માટે પાકિસ્તાન મિસાઈલ્સ સિસ્ટમને હજુ વધુ શ્રેષ્ઠ બનાવી શકે છે. આ એ વાતનો નિર્દેશ આપે છે કે પાકિસ્તાને નાના અણુશસ્ત્રો બનાવી લીધા છે કે જેથી ભારત સાથે જો કોઈ યુદ્ધ જેવી સ્થિતિ નિર્માણ પામે તો તેનો ઉપયોગ કરી શકાય.
પૂર્વ વિદેશ સચિવ કંવલ સિબ્બલ આ પ્રકારની શક્યતાને નકારી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ પ્રકારની કોઈ શક્યતા નથી કે પોતાની સામે ઝળુંબી રહેલા ખતરાને લઈને પાકિસ્તાન અણુશસ્ત્રોનો ઉપયોગ કરશે. આમ પણ પાકિસ્તાન અણુયુદ્ધ ઇચ્છતું નથી. તેમ છતાં એક એવો ડર છે કે પાકિસ્તાન એક એવું રાષ્ટ્ર છે જે આંતરરાષ્ટ્રીય કાયદાઓને તોડતું આવ્યું છે અને બીજા દેશોની સુરક્ષા માટે ખતરારૂપ છે. કેટલાક વિશ્લેષકો અને રામ માધવ જેવા રાજકીય નેતાઓએ પાકિસ્તાનને એક એવો દેશ ગણાવ્યો છે કે જે અણુશસ્ત્રોના ઉપયોગની ધમકી આપીને બ્લેક મેઈલ કરે છે. સિબ્બલનું કહેવું છે કે ચીન અને પાકિસ્તાન વચ્ચે અણુ સહકાર વધુ ચિંતાજનક છે.
જ્યોર્જ પેર કોવિચ નામના એક નિષ્ણાંતે એક વેબસાઈટને આપેલી મુલાકાતમાં જણાવ્યું છે કે જો ભારત પાકિસ્તાનના અણુસંસ્થાનો પર સફળતાપૂર્વક હુમલો કરશે અને પાકિસ્તાની લશ્કરને ભૌતિક અને રાજકીય કટોકટીમાં મૂકશે તો પાકિસ્તાન પણ ભારતને અટકાવવા માટે નાના અણુશસ્ત્રોનો ઉપયોગ કરી શકે છે.
ભારતીય લશ્કરના એક પૂર્વ જનરલનું કહેવું છે કે મનોવૈજ્ઞાનિક તરીકે કાર્ય કરવાની પાકિસ્તાનની આ યુદ્ધનીતિ છે. પાકિસ્તાની જનરલ અને રાજકીય નેતાઓ આ પ્રકારની બિહામણી અને પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકી આપતાં આવ્યા છે. ભારત પાસે પાકિસ્તાનની તુલનાએ વધુ લશ્કરી તાકાત અને હથિયાર છે. જો ભારત અણુશસ્ત્રોનો ઉપયોગ કરશે તો પાકિસ્તાનમાં મોટી તબાહી સર્જી શકે છે. જેમકે પંજાબમાં જ્યાં પાકિસ્તાનના મોટાભાગના સ્પેશિયલ વર્ગના લોકોના આવાસો છે અને પાકિસ્તાનનો શસ્ત્રાગાર છે તે તેના બચાવમાં લાગી જશે.
બીજીબાજુ ચીન અને અમેરિકા પણ પોતાના કારણોને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે સ્થિતિ વધુ વણસે નહીં તે માટે પ્રયાસ કરી રહ્યા છે.
અણુયુદ્ધથી ચીનના એ પ્રોજેક્ટને પણ ખતરો છે કે જેમાં ચીને પાકિસ્તાનમાં ૪૬ અબજ ડૉલરનું મૂડીરોકાણ કર્યું છે. પાકિસ્તાનના કાયમી મિત્ર એવા ચીને પણ પાકિસ્તાન પર દબાણ લાવવું જોઈએ કે તે કોઈ ઉતાવળીયું પગલું ન ભરે.
– સાદિક નકવી