(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૨
સુરત જિલ્લાના બારડોલી તાલુકા તથા કડોદરા ખાતે બનેલા બે વાહન અકસ્માતના બનાવોમાં એક પરિણીતા તથા પાંચ વર્ષના બાળકનું કરૂણ મોત નીપજ્યું હોવાનો બનાવ બનતા પોલીસ ફેટલનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુાસર સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મોતા ગામના રહેવાસી મંગાભાઇ કાનજીભાઈ હળપતિના પત્ની સોનલબેન (ઉં.વ.૨૬) ઓટોરિક્ષામાં બેસી ઘર તરફ જતા હતા ત્યારે બારડોલી તાલુકાના બાબેન ગામ શાંતિ નિકેતનને એક અજાણ્યા મોટર સાઈકલ ચાલકે પોતાની મોટર સાઈકલ પૂરપાટ ઝડપે હંકારી રિક્ષા સાથે અથડાવતા સોનલબેનની છાતીના ભાગે પાંસળીઓમાં ફેક્ચર કરી માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી ફરાર થઈ ગયો હતો. પોતાની પત્નીનું વાહન અકસ્માતમાં મોત થયાની જાણ થતા તેમણે બારડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યારે બીજા વાહન અકસ્માત મોતનો બનાવ કડોદરા- નિયોલ ગામના તળાવ પાસે બન્યો હતો. જેમાં સુરત-મરોલી માન-સરોવર સોસાયટીમાં રહેતા સવાઈલાલ પ્રજાપતિએ પોતાની ઓટોરિક્ષા-પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી પલટી ખવડાવી હતી. આ ઓટોરિક્ષામાં બેઠેલા ૫ વર્ષના દિવ્યાંશુનું કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે સીતાદેવીના જમણા ગાલ પર ઈજાઓ પહોંચી હતી. કડોદરા પોલીસે ફેટલનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.