(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૩૦
કુદરતની કારમી લપડાકનો સામનો કરી રહેલા કેરળમાં સામાન લઇને મદદ માટે ગયેલા વડોદરા શહેરના તાંદલજાના ત્રણ મિત્રો પરત ફર્યા હતા. સતત એક સપ્તાહ સુધી ભૂખ-તરસ વેઠીને મદદ કરનાર મિત્રોએ જણાવ્યું હતું કે, કેરલમાં કુદરતે વેરેલા વિનાશના દ્રશ્યો હજુ અમારી આંખો સામેથી દૂર થતાં નથી. કેરળમાં બેઘર બનેલા લોકોને સામાન કરતા ડોક્ટર, ટેક્નિશિયન સહિતના મેનપાવરની વધારે જરૂરીયાત છે. કેરળમાં આવેલા વિનાશક પૂરના સમાચાર સાંભળ્યા બાદ વડોદરા શહેરના તાંદલજામાં બિનાનગરમાં રહેતા સમીર ઉર્ફ સેમ શેખ, ઉવેશ સૈયદ અને સાજીદભાઇ શેખે કેરળમાં જઇને મદદરૂપ થવાનો વિચાર કર્યો. વિચારને તુરંત જ અમલમાં મુકીને તેમણે મિત્ર વર્તુળને મદદ માટે વાત કરી હતી. જોતજોતામાં તેમના મિત્રોએ કપડા, મેડિસીન, સેનેટરી નેપકીન, ડાયપર્સ, ટોર્ચ, બુટ-ચપ્પલ, બ્લેન્કેટ, કેન્ડલ વગેરે વસ્તુઓ એકત્રિત કરી. જરૂરીયાત પ્રમાણેની ચીજવસ્તુઓ આવી જતાં ત્રણે મિત્રો ૨૧મી ઓગષ્ટે બકરી ઇદ હોવા છતાં, ઇદ સાદાઇથી મનાવીને કેરલ જવા રવાના થઇ ગયા હતા. સમીર શેખ, ઉવેશ સૈયદ અને સાજીદ શેખે જણાવ્યું હતું કે, કેરળની કાલામાસેરી બેઠકના ધારાસભ્ય ઇબ્રાહિમ કુંજુનો અમને સારો સહકાર મળ્યો હતો. તેઓના સહકારના કારણે અમો અહીંથી જે સામાન લઇ ગયા હતા. તે સામાન અમે અર્નાકુલમ, અલુવા, કોટમ, પાલકુડી, અલ્લપી, પટનટીટા વગેરે શહેરોના લોકોને વિતરણ કર્યો હતો. સામાન વિતરણની સાથોસાથ લોકોના ઘરમાં અડધો-એક ફૂટ જામી ગયેલા માટીના થરનો નિકાલ કર્યો હતો. અમે મદદે ગયા ત્યારે લોકો અમને બેહાથ જોડીને કહેતા હતા કે, એક તરફ કુદરતે અમોને લપડાક મારી છે. અને બીજી તરફ કુદરતે જ તમને અમારા દૂત તરીકે મોકલ્યા છે. કેટલાક લોકો અમને મદદ કરતા જોઇને રડી પડતા હતા. તેઓને રડતા જોઇને અમો પણ ગદગદીત થઇ જતા હતા. મિત્ર ત્રિપુટીએ વધુમાં જણાવ્યું હતું કે, લોકોના ઘરમાં અડધોથી એક ફૂટ માટી સાફ કરવા જતા હતા. ત્યાં અમારે માટીમાં મૃત માછલીઓ ઉપર પગ મુકીને જવું પડતું હતું. એ તો ઠીક અમોને સતત સાપ જેવા ઝેરી જાનવરથી સાવચેત રહેવું પડતું હતું. લોકોના ઘરમાં મૃત માછલીઓ તો જોવા મળતી જ હતી. સાથે સાપ રખડતા જોવા મળતા હતા. તો આસપાસના વિસ્તારોમાં પશુ-પક્ષીઓના મૃતદેહો જોવા મળ્યા હતા. કેરળમાં આવેલા વિનાશક પૂરમાં સૌ-કોઇ એક સમાન જેવા થઇ ગયા છે. મદદ માટે ગરીબ અને અમીર લાઇનમાં ઉભા રહેતા હતા. એક સમયે લક્ઝુરિયસ ગાડીઓમાં ફરતા લોકો કપડા સહિતનો સામાન માટે હાથ લંબાવી રહૃાા છે. ટૂંકમાં કહીએ તો લોકોની હાલત દયનીય બની ગઇ છે. લોકો લાચાર બની ગયા છે. કરોડોના બંગલામાં રહેતો પરિવાર કેમ્પમાં રહેતા થઇ ગયા છે. કેરલની સ્થિતીનું વર્ણન કરવું મુશ્કેલ છે. જ્યાં નજર નાંખો ત્યાં ગંદકીના થર છે. આવનારા દિવસોમાં ભયંકર રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત છે. ત્યારે કેરલમાં સામાનની સાથે મેન પાવરની પણ જરૂરીયાત છે. મેન પાવરની વાત કરીએ તો ઇલેકટ્રીશીયન, પ્લમ્બર, લેબર જેવાની જરૂરીયાત છે. તેઓએ જણાવ્યું હતું કે, અગાઉ અમે ગુજરાતમાં આવેલા વિનાશક ભૂકંપ અને તે બાદ સુરત શહેરમાં આવેલા વિનાશક પૂરમાં લોકોની મદદે ગયા હતા. તે બાદ અમે કેરળ ગયા હતા. પરંતુ કેરળમાં આવેલા વિનાશક પૂરે સર્જેલી તબાહીના જે દ્રશ્યોે જોયા છે. તે ક્યારેય ભૂલી નહીં શકીએ.