કોલકાતા, તા. ૫
પશ્ચિમ બંગાળના ઉત્તરના ૨૪ પરગણા જિલ્લાના બદુરિયામાં ફેસબૂક પર પયગમ્બર મોહંમદ (સ.અ.વ.) સાહેબ વિરૂદ્ધ વાંધાજનક પોસ્ટ રાખવા બદલ કોમી અથડામણો સર્જાઇ છે જેને કારણે સ્થિતિ તંગ બની છે. સ્થિતિની ગંભીરતાને જોતા અર્ધલશ્કરી દળો તૈનાત કરી દેવામાં આવ્યા છે. આ દરમિયાન ટોચના પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી સ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. પોલીસે જણાવ્યું હતું કે લોકોને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવા અપીલ કરવામાં આવી છે. ા દરમિયાન પોલીસે પણ લોકો પાસે જઇ સામાન્ય પ્રવૃતિઓમાં પરોવાઇ જવા અપીલ કરી હતી. તોફાનો દરમિયાન સ્થાનિક રેલવે વ્યવસ્થા પણ ખોરવાઇ હતી જેમાં દત્તકપુર અને અશોકનગર સ્ટેશનો પર લોકો એકઠા થઇ જતા સિયાલદાહ-બાંગાંવ રેલવે માર્ગને અસર પહોંતી હતી. આ દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનરજીએ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને પત્ર લખી રાજ્યપાલ ત્રિપાઠીની ફરિયાદ કરી હતી અને તેમના પર બંધારણીય હદો પાર કરવાનો આરોપ લગાવ્યો હતો જ્યારે તેમણે પત્રમાં તેમને પદ પરથી હાંકી કાઢવાની માગ પણ કરી હતી. રાજ્ય સરકારે જણાવ્યું કે, આ પત્રની એક કોપી કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહને પણ આપવામાં આવી છે. દરમિયાન રાજ્યમાં કોમી તોફાનોની ઘટનાઓ વધતા મુખ્યમંત્રી મમતા બેનરજીએ ઇન્ટરનેટ સેવા કરવા અને દુકાનો તથા શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. બશીરહાટ રેલવે સ્ટેશનને લોકોએ સવારે બાનમાં લેતા સેવા ખોરવાઇ હતી. બદુરિયા સહિત કેઓશા માર્કેટ, બંશતલા, રામચંદ્રપુર અને ટેંટુલિયા જેવા ક્ષેત્રો પણ પ્રભાવિત થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓની સુરક્ષા માટે પોલીસ અને બીએસએફના જવાનો શાળાઓની ઇમારતો અને શૈક્ષણિક સંસ્થાનો પાસે ખડકી દેવામાં આવ્યા હતા. તોફાનો ફાટી નીકળ્યા બાદ દક્ષિણ બંગાળ ફ્રન્ટીયરની બીએસએફની ચાર કંપનીઓ બદુરિયા અને તેની આસપાસના બરિશાત, સ્વરૂપનગર અને ડેગાંગા જેવા વિસ્તારમાં ખડકી દેવામાં આવી હતી. ટોળા દ્વારા માર્ગો પર અવરોધને બીએસએફના જવાનોને દૂર કર્યા હતા. સોમવારે રાતે ફેસબૂક પર વાંધાજનક પોસ્ટ બાદ બદુરિયાના બરિશાતમાં બે સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી જે બાદ પોસ્ટ મૂકનારા યુવકને ઝડપી પડાયો હતો. કેટલાક સ્થળો પર માર્ગોમાં આડશ મૂકવામાં આવી હતી જ્યારે ઘણા સ્થળોએ એક સમુદાયના લોકો દ્વારા અન્ય સમુદાયની દુકાનો અને મકાનો બાળી નાખવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી મુખ્યમંત્રી મમતા બેનરજી અને રાજ્યપાલ કેશરીનાથ ત્રિપાઠી વચ્ચે પદના મહત્વ અંગે ગજગ્રાહ ચાલી રહ્યો છે ત્યારે મમતાએ રાજ્યપાલને તેઓ ભાજપના અધ્યક્ષની જેમ કામ કરતા હોવા તથા તેમને ધમકી આપવાનો આરોપ મૂક્યો હતો.
કેન્દ્ર સરકારે કોમી રમખાણો મામલે મમતા બેનરજી પાસે રિપોર્ટ માગ્યો
ફેસબૂક પોસ્ટ મામલે પશ્ચિમ બંગાળના વિવિધ ભાગોમાં કોમી રમખાણો ફાટી નીકળતા રાજ્ય સરકારે અસરગ્રસ્ત વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી હતી અને ટોળા એકઠા થવા સામે પ્રતિબંધ મુક્યો હતો. હઝરત મોહંમદ પયગમ્બર (સ.અ.વ) અંગે વાંધાજનક પોસ્ટ મૂકનારા ૧૭ વર્ષના બદુરિયાના વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે, સ્થિતિ હાલ તંગ પરંતુ નિયંત્રણમાં છે. કેન્દ્ર સરકારે કોમી તોફાનો દબાવવા માટે રાજ્યમાં ૪૦૦ અર્ધલશ્કરી દળો મોકલી દીધા છે.
આ અંગે ૧૦ મુદ્દા
૧. સૌપ્રથમ તોફાનોની જ્યાંથી શરૂઆત થઇ તે દેગાંગામાં લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. પોલીસ અને સલામતી દળોએ લોકોને જાહેરાતો કરી શાંતિ જાળવવાની અપીલ કરી હતી.
૨. પોલીસે કહ્યું કે, ગઇકાલે હિંસક ટોળાએ કેટલાક માર્ગોને અવરોધ્યા હતા અને અન્ય સમુદાયના લોકો પર હુમલા કર્યા તથા દુકાનોને નુકસાન પહોંચાડ્યું હતું.
૩. સોમવારે મોટા પાયે ટોળાઓએ રેલવે અને માર્ગ વ્યવહાર અવરોધ્યા હતા. પાટનગરથી ૭૦ કિલોમીટર દૂર આવેલા બદુરિયામાંથી તોફાનોની શરૂઆત થઇ હતી.
૪. કોલકાતા પોલીસે ટિ્વટ કરી ‘લોકોને અફવાઓ ન ફેલાવવા અપીલ કરી હતી. સોશિયલ મીડિયા પર ખોટી વાતો વધુ ફેલાય છે. શહેર શાંતિપ્રિય છે. અફવા માટે ૧૦૦ નંબર ફોન કરી અમને શાંતિ માટે મદદ કરો.’
૫. મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે વાત કર્યા બાદ રાજ્યપાલ કેશરીનાશ ત્રિપાઠીએ રાતે ગૃહમંત્રી રાજનાથસિંહ સાથે સ્થિતિ અંગે ચર્ચા કરી હતી.
૬. ત્રિપાઠીએ ફોન પર ચર્ચા દરમિયાન અપમાન અને ધમકી આપ્યાના મમતા બેનરજીના આરોપ બાદ રાજ્યપાલ ઓફિસે નિવેદન જારી કર્યું હતંુ.
૭. નિવેદનમાં જણાવાયું હતું કે કોઇપણ કાળે મુખ્યમંત્રી શાંતિ સ્થાપવા માટે કાયદો અને વ્યવસ્થા લાગુ કરે. મમતા બેનરજીના વલણ અને ભાષા અંગે ચિંતા આશ્ચર્ય વ્યક્ત કરતા ત્રિપાઠીએ જણાવ્યું કે, રાજ્યમાં ચાલતી ઘટનાઓ અંગે રાજ્યપાલ મૂકદર્શક બની ન રહે.
૮. આ પહેલા મમતાએ કહ્યું હતું કે, રાજ્યપાલ ભાજપના બ્લોક નેતાની જેમ વર્તી રહ્યા છે. મને ધમકી આપી હેરાન કરાઇ, વિચારૂ છું કે, પદ છોડી દઉં. મારૂ ભારે અપમાન થયું. રાજ્યપાલનું વલણ અસ્વીકાર્ય છે. તેઓ મારી સાથે કાયદો વ્યવસ્થા માટે કઇ રીતે વાત કરી શકે?
૯. કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું હતું કે, રાજ્યમાં અસામાજિક તત્વો સમાંતર સરકાર ચલાવી રહ્યા છે. અપરાધિક ષડયંત્રથી લોકોમાં ભય અને આઘાતનું વાતાવરણ છે.
૧૦. રાજ્યપાલ અંગે મમતા બેનરજીની ટીપ્પણીનો ખોટો રસ દર્શાવતા નકવીએ જણાવ્યું કે, અસામાજિક તત્વોને જેર કરવા રાજ્યપાલ સાથે બાથ ભીડવા માટે મમતા બેનરજી ૨૦ ટકા લોકોનો સહારો લઇ રહ્યા છે જેઓ સમાંતર સરકાર ચલાવી રહ્યા છે.
બંગાળમાં ખરેખર શું બન્યું અને કેવી રીતે ઘટના તોફાનો તરફ દોરાઇ
પશ્ચિમ બંગાળના ૨૪ પરગણા જિલ્લાના બદુરિયાના ૧૧મા ધોરણમાં ભણતા ૧૭ વર્ષના સૌવિક સરકારે ફેસબૂક પર પયગમ્બર મોહંમદ(સ.અ.વ.) સાહેબનો અત્યંત વાંધાજનક ફોટો મુક્યો હતો. ત્યારબાદ રાજ્યના ઘણા વિસ્તારોમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. કેટલાક લોકોએ કહ્યું કે, અમે આ ફોટો જોયો છે અને તે અત્યંત વાંધાજનક છે. આ ખરાબ વાત છે. આ જાણીજોઇને કરવામાં આવ્યું છે અને અમે તેને આગળ પોસ્ટ ન કરી શકીએ. આ વિદ્યાર્થીએ પોતાના ફોટોશોપ પર ફોટો બનાવી પોસ્ટ કર્યો હતો. આ વાત મોટાભાગે ગરીબ અને પછાત વર્ગના મુસ્લિમ વિસ્તારોમાં ફેલાતા લોકોનો આક્રોશ શેરીઓમાં આવી ગયો હતો. ત્યારે વહીવટીતંત્રે તાત્કાલિક પગલાં લઇ યુવકની ધરપકડ કરી હતી. જોકે, આ ઘટના બાદ ભાજપના નેતાઓ તથા આરએસએસના સભ્યો તરત જ રાજ્યપાલને મળવા રાજભવન પહોંચી ગયા હતા.