બંગાળની સાત નગરનિગમ ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસનો સપાટો

(એજન્સી) કોલકાતા, તા.૧૭
પશ્ચિમ બંગાળમાં રવિવારે યોજાયેલી નગર નિગમ ચૂંટણીઓમાં આજે સાતેય બેઠકો પર તૃણમુલ કોંગ્રેસે જીત મેળવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લહેરને જોરદાર આંચકો આપ્યો છે. સાતેય નગર નિગમના પરિણામોમાં મુખ્યમંત્રી મમતા બેનરજીની નેતૃત્વવાળી તૃણમુલ કોંગ્રેસે સીપીએમ તથા અન્ય સ્થાનિક દળોના સૂપડાં સાફ કરી દીધા હતા અને ભાજપ બીજા નંબરે રહેવા છતાં ઘણું પાછળ રહ્યું હતું. રવિવારે બુનિયાદપુર, ધૂપગુડી, દુર્ગાપુર, હલ્દીયા, પાંસકુરા, કૂપર્સ કેમ્પ અને નૌહાટ્ટીમાં ચંૂટણીઓ યોજાઇ હતી જે દરમિયાન હિંસાની નાની મોટી ઘટનાઓ સર્જાઇ હતી. વિપક્ષી દળોએ મતદાનમાં ગરબડનો આરોપ લગાવ્યો હતો અને સીપીએમે ચૂંટણી રદ કરવાની માંગ કરી હતી.
નવા બનાવેલા નગર નિગમ બુનિયાદપુરમાં ૧૪માંથી ૧૩ બેઠકો પરથી ટીએમસીના ઉમેદવાર જીત્યા હતા તથા એક બેઠક ભાજપના ખાતામાં ગઇ હતી. બીજી તરફ ધૂપગુડીની કુલ ૧૬ બેઠકોમાંથી ટીએમસીને ૧૨ બેઠકો તથા ભાજપને ચાર બેઠકો મળી હતી. ૨૦૧૨માં થયેલી ગત ચૂંટણીમાં અહીં તૃણમુલ કોંગ્રેસને ૧૧ તથા ભાજપને એક બેઠક મળી હતી. કૂપર્સ કેમ્પની તમામ ૧૨ બેઠકો પર તૃણમુલ કોંગ્રેસનો વિજય થયો હતો. ૨૦૧૨માં તૃણમુલ કોંગ્રેસને અહીં ફક્ત એક બેઠક પર જીત મળી હતી. નૌહાટીમાં ૧૬માંથી ૧૪ પર ટીએમસી, એક પર ડાબેરી તથા એક પર અન્ય ઉમેદવારનો વિજય થયો હતો. ૨૦૧૨માં ટીએમસીએ અહીં ફક્ત આઠ બેઠકો મળી હતી. ૨૦૧૨માં અહીં ત્રણ બેઠકો કોંગ્રેસને જ્યારે એક-એક બેઠક સીપીએમ તથા ભાજપને મળી હતી. દુર્ગાપુરમાં તમામ ૪૩ બેઠકો પર ટીએમસીને કબજો જમાવ્યો છે જ્યારે ૨૦૧૨માં તેની પાસે અહીં ૨૯ બેઠકો આવી હતી. પાંસકુરામાં ટીએમસીએ ૧૮માંથી ૧૭ અને ભાજપને એક બેઠક પર જીત મળી હતી. ૨૦૧૨માં ટીએમસી ૧૨ બેઠકો પર વિજયી રહી હતી જ્યારે ત્રણ બેઠકો સીપીએમ અને બે બેઠકો સીપીઆઇના ખાતામાં ગઇ હતી. હલ્દીયામાં પણ તમામ ૨૯ બેઠકો પર ટીએમસીએ જીત મેળવી હતી જ્યારે ૨૦૧૨માં તેની પાસે અહીં ફક્ત ૧૧ બેઠકો હતી. તે સમયે સીપીએમને ૧૩ બેઠકો પર જીત મળી હતી જ્યારે સીપીઆઇને ફાળે બે બેઠકો આવી હતી. ૨૦૧૨ની સરખામણીએ આ વખતે સાત એકમોમાં કુલ ૧૯ વોર્ડનો વધારો થયો હતો. દરમિયાન ચૂંટણીઓ પર નજર રાખનારાઓએ જણાવ્યું હતું કે, ભાજપ આ ચૂંટણીઓમાં મોટા અંતરે બીજા નંબરે રહ્યું છે અને મુખ્ય વિપક્ષી પાર્ટી તરીકે ઉભરી આવ્યું છે. આ ચૂંટણીઓમાં કોંગ્રેસને ફાળે એક પણ બેઠક આવી નહોતી. આ દરમિયાન ટીએમસીએ ઝારગામ મ્યુનિસિપાલિટીની પેટા ચૂંટણીમાં પણ જીત મેળવી લીધી હતી. ચૂંટણીના પરિણામો બાદ તૃણમુલ કોંગ્રેસના મહાસચિવ પાર્થા ચેટરજીએ જણાવ્યંુ હતું કે, પરિણામો દર્શાવે છે કે, ટીએમસીમાં લોકોનો વિશ્વાસ છે અને અમારી વિરૂદ્ધ ઝેર ફેલાવનારાઓને જોરદાર જવાબ આપ્યો છે. ભાજપના સારા કહી શકાય તેવા પ્રદર્શન અંગે તૃણમુલ કોંગ્રેસના નેતા ગૌતમદેવે જણાવ્યંુ કે, ડાબેરીઓના મતો ભાજપમાં પરિવર્તિત થઇ ગયા હતા નહીં તો અમારા ખાતામાં વધુ બેઠકો આવી હોત.
ચૂંટણીમાં ધાંધલીનો ભાજપનો આરોપ

ચૂંટણીના પરિણામો બાદ ભાજપના રાજ્યના અધ્યક્ષ દિલિપ ઘોષે જણાવ્યંુ કે, જીતવા માટે ટીએમસીએ નાણાં તથા સત્તાનો ઉપયોગ કર્યો છે તે બધા જાણે છે. ટીએમસીએ લોકશાહીને બાનમાં લીધી છે. આતંકવાદ વચ્ચે અમે વધુમાં વધુ બેઠકો જીતવામાં સફળ થયા છીએ અને બીજો નંબર મેળવ્યો છે. બીજી તરફ ટીએમસીએ પણ ભાજપ પર નિષ્પક્ષ ચૂંટણી નહીં કરાવવાનો આરોપ લગાવ્યો હતો. સીપીએમના નેતા સુજન ચક્રવર્તીએ પણ આરોપ લગાવ્યો હતો કે, નગર નિગમની ચૂંટણીઓના પરિણામો લોકોના વિશ્વાસ પ્રમાણે નથી. ચૂંટણી બાદ અમે સમગ્ર ચૂંટણી પર પ્રતિબંધની માંગ કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks