કોલકાતા, તા. ૬
પશ્ચિમ બંગાળના બશિરહાટમાં કોમી હિંસા દરમિયાન ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિનું અહીંથી ૭૦ કિલોમીટર દૂર આવેલી કોલકાતાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતુું. ૪૫ વર્ષના કાર્તિક ઘોષને બશિરહાટની સરકારી હોસ્પિટલમાંથી ગંભીર હાલતમાં કોલકાતાની હોસ્પિટલમાં ખસેડાયો હતો. સોમવારે રાતથી શરૂ થયેલી હિંસામાં અત્યાર સુધી ૨૧ લોકો ઘવાયા છે. ઘવાયેલાઓમાંથી ગંભીર ઇજાગ્રસ્તોને કોલકાતાની આરજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘોષના મૃત્યુ બાદ આરજી હોસ્પિટલને ભાજપના કાર્યકરો દ્વારા ઘેરી લેવાઇ હતી. ભાજપે આરોપ મૂક્યો હતો કે, ઘોષ આરએસએસનો સભ્ય હતો અને સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસના સભ્યોએ તેના પર હુમલો કર્યો હતો. કોલકાતા પહોંચેલા ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયએ બંગાળના વહીવટીતંત્રને નિષ્ફળ ગયું હોવાનું જણાવ્યું હતું. બશિરહાટથી ૨૦ કિલોમીટર દૂર આવેલા બદુરિયા આ વિવાદનું મુખ્ય કેન્દ્ર છે. પશ્ચિમ બંગાળના ઉત્તરના ૨૪ પરગણા જિલ્લાના બદુરિયામાં ફેસબૂક પર પયગમ્બર મોહંમદ (સ.અ.વ.) સાહેબ વિરૂદ્ધ વાંધાજનક પોસ્ટ રાખવા બદલ કોમી અથડામણો સર્જાઇ છે જેને કારણે સ્થિતિ તંગ બની છે. સ્થિતિની ગંભીરતાને જોતા અર્ધલશ્કરી દળો તૈનાત કરી દેવામાં આવ્યા છે. આ દરમિયાન ટોચના પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી સ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. પોલીસે જણાવ્યું હતું કે લોકોને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવા અપીલ કરવામાં આવી છે. દરમિયાન પોલીસે પણ લોકો પાસે જઇ સામાન્ય પ્રવૃતિઓમાં પરોવાઇ જવા અપીલ કરી હતી. તોફાનો દરમિયાન સ્થાનિક રેલવે વ્યવસ્થા પણ ખોરવાઇ હતી જેમાં દત્તકપુર અને અશોકનગર સ્ટેશનો પર લોકો એકઠા થઇ જતા સિયાલદાહ-બાંગાંવ રેલવે માર્ગને અસર પહોંચી હતી.
આ દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનરજીએ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને પત્ર લખી રાજ્યપાલ ત્રિપાઠીની ફરિયાદ કરી હતી અને તેમના પર બંધારણીય હદો પાર કરવાનો આરોપ લગાવ્યો હતો જ્યારે તેમણે પત્રમાં તેમને પદ પરથી હાંકી કાઢવાની માગ પણ કરી હતી. રાજ્યસરકારે જણાવ્યું કે, આ પત્રની એક કોપી કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહને પણ આપવામાં આવી છે. દરમિયાન રાજ્યમાં કોમી તોફાનોની ઘટનાઓ વધતા મુખ્યમંત્રી મમતા બેનરજીએ ઇન્ટરનેટ સેવા કરવા અને દુકાનો તથા શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો હતો.