(એજન્સી) વૉશિંગ્ટન, તા.૧૧
અમેરિકાના સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને એક નિવેદન આપતા જણાવ્યું હતું કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન સાથે ત્રીજીવાર બેઠક કરવા માટે તૈયાર છે. આ મામલે બોલ્ટન જણાવે છે કે ટ્રમ્પનું માનવું છે કે પુરમાણુ પરીક્ષણ ન કરવાનો જો નિર્ણય ઉત્તર કોરિયા દ્વારા કરવામાં આવે તો તે રાષ્ટ્ર માટે હિતાવહ સાબિત થશે અને એટલા માટે જ તેઓ ત્રીજી બેઠક માટે તૈયાર છે. બોલ્ટન આ વિશે જણાવે છે કે, અમેરિકા ફરીવાર ચર્ચાવિચારણા કરવા માટે તૈયાર છે. તેમને લાગે છે કે પરમાણુ પરીક્ષણ ન કરવાનો નિર્ણય ઉત્તર કોરિયા માટે એક સારો નિર્ણય સાબિત થશે. તેના માટે તેઓ કિંમને રાજી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. શુક્રવારે અમેરિકા દ્વારા ઉત્તર કોરિયામાં થઇ રહેલા પરમાણુ પરીક્ષણની તૈયારીને લગતા કેટલીક તસવીરો સામે આવી હતી. આ મામલે કેટલાક વિશેષજ્ઞોનું માનવું છે કે ઉત્તર કોરિયા એક વર્ષ બાદ પોતાની પહેલી મિસાઇલ લોન્ચની તૈયારી કરી રહ્યું છે. આ મામલે બોલ્ટનનું કહેવું છે કે, જો ઉત્તર કોરિયા દ્વારા પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું તો અમેરિકાના રાષ્ટ્રપતિ ખૂબજ નારાજ થશે. આ મામલે રાષ્ટ્રપતિએ પણ વારંવાર કહ્યું છે કે પરમાણુ પરીક્ષણ ન કરવું એ અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે એક સકારાત્મક વાતચીત કરવાનો સંકેત છે.