Ahmedabad

બદ્ર પ્લાઝાના દબાણો તો દૂર કર્યા પણ સ્વાઈન ફ્લુ લાવનારી ગંદકી ક્યારે દૂર કરાશે ?

સુલતાન અહમદ શાહ બાદશાહે વસાવેલા અહમદઆબાદ શહેરને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો આપ્યો પરંતુ તેની યોગ્ય જાળવણી ન થાય, દબાણો દૂર ન થાય સહિતની શરતોનું પાલન ન થાય તો હેરિટેજનો દરજ્જો પાછો ખેંચાઈ શકે છે. આથી મ્યુનિસિપલ કોર્પોરેશને હેરિટેજ જગ્યાએ આસપાસથી દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી છે. શહેરના બદ્રના કિલ્લાની આસપાસ પાથરણાવાળાઓના દબાણો તંત્રએ દૂર કરવાની કામગીરી શરૂ કરી છે. કાયદેસરના પાથરણા સિવાયના તમામ પાથરણા અને ફેરિયાઓને તંત્રએ દૂર કરતા ત્રણ દરવાજાથી બદ્ર સુધીનો રસ્તો સાફ થયો હતો. પરંતુ સાથે જ તંત્રની પોલ ખોલતી ગંદકી બહાર આવી હતી. બદ્ર પ્લાઝા ખુલ્લો થતાં ઠેર-ઠેર ગંદકી અને કચરાના ઢગ, ચોમાસાના ભરાયેલા પાણીથી ચોતરફ ફેલાતી તીવ્ર વાસને લીધે બદ્ર વિસ્તાર ખદબદી ઉઠયો છે. ત્યારે માત્ર દબાણો દૂર કરી સંતોષ માનતા મ્યુનિ. તંત્રએ યુદ્ધના ધોરણે સાફસફાઈ પણ કરવી જરૂરી છે.