અમદાવાદ, તા.૧૭
શહેરના પાલડી વિસ્તારમાં રોહિતવાસ પાસે કુવાવાળા વાસ ખાતે છેલ્લા ૪૦ વર્ષથી રહેતા એક ભાડુઆતને મકાનમાલિક અને તેના મળતીયાઓએ માર મારી ઘરમાંથી કાઢી મૂકયો હતો. લાકડીઓ અને દંડા વડે ફરી વળી મકાનમાલિક અને તેના મળતીયાઓએ ભાડુઆતને ઢોર માર મારી તેનો સામાન ઘરની બહાર ફેંકી દીધો હતો. એટલું જ નહી, તેની પત્ની અને બાળકીને પણ લાફા માર્યા અને બાળકીની ફી ભરવાના રૂ.૧૦હજાર અને સોનાની ચેઇન, વીંટી સહિતના દાગીના પણ લૂંટી લીધા હતા. આ સમગ્ર બનાવ અંગે ભાડુઆતે એલિસબ્રીજ પોલીસમાં ફરિયાદ આપી હતી પરંતુ પોલીસે જવાબદાર મકાનમાલિક તથા અન્યો વિરૂધ્ધ એફઆઇઆર નહી નોંધતા ગરીબ ભાડુઆતે કોર્ટમાં ફરિયાદ કરી હતી. જેમાં મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટે ભાડુઆતે આપેલી ફરિયાદ સંદર્ભે પોલીસે શું કાર્યવાહી કરી તેનો રિપોર્ટ એલિસબ્રીજ પોલીસ પાસેથી મંગાવ્યો છે અને કેસની વધુ સુનાવણી તા.૬ઠ્ઠી ઓકટોબર પર મુકરર કરી છે. અરજદાર ભાડુઆત રાણાવત મોહનસિંહ જોધસિંહજી દ્વારા મેટ્રોપોલીટન કોર્ટમાં કરાયેલી ફરિયાદમાં એડવોકેટે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, અરજદાર ભાડુઆત સને ૧૯૭૯થી ઉપરોકત સરનામે ભાડેથી રહે છે. મકાનમાલિક દ્વારા અવારનવાર થતી હેરાનગતિ અને કનડગતને લઇ અરજદારે સ્મોલ કોઝ કોર્ટમા દાવો પણ કરેલો હતો. જેમાં ખુદ પ્રતિવાદી મકાનમાલિકોએ રેકર્ડ પર કબૂલ્યુ છે કે, અરજદાર તેમના ભાડુઆત છે, આ દાવો કોર્ટમાં પેન્ડીંગ હોવાછતાં પ્રતિવાદી મયંક ઉર્ફે ગોપી હસમુખ રાઠોડ, મોન્ટુ ઉર્ફે ધવલ હસમુખ રાઠોડ, ટીનુ કનુભાઇ રાઠોડ, પીન્ટુ કનુભાઇ રાઠોડ, અરૂણાબહેન હસમુખ રાઠોડ, નીતા મયંક રાઠોડ, સુશીલા પરમાર સહિતના આરોપીઓએ એકસંપ થઇ પૂર્વઆયોજિત કાવતરૂં રચી તા.૨૭-૬-૧૭ના રોજ બપોરે અરજદારના ઘરમાં ઘૂસી લાકડીઓ અને દંડા વડે ફરી વળ્યા હતા. અરજદારની પત્ની અને બાળકીને જોરદાર લાફાઓનો માર મારી તમામને વરસતા વરસાદમાં ઘરમાંથી બહાર કાઢી મૂકયા હતા અને બધો સામાન પણ બહાર ફેંકી દીધો હતો. એટલું જ નહી, આરોપીઓએ બાળકીની ફી ભરવાના રૂ.દસ હજાર, સોનાની ચેઇન, કંગન, વીંટી સહિતના દાગીનાઓ પણ લૂંટી લીધા હતા. અરજદારને પરિવાર સાથે ઘરમાંથી બહાર હાંકી કાઢયા બાદ આરોપીઓએ અરજદારના ઘરને તાળુ મારી દીધુ હતું. આ સમગ્ર બનાવ અંગે અરજદારે એલિસબ્રીજ પોલીસમાં ફરિયાદ આપી હતી પરંતુ પોલીસે એફઆઇઆર જ નોંધી નથી અને હજુ સુધી આરોપીઓ વિરૂધ્ધ કોઇ કાર્યવાહી કરી નથી. આરોપીઓના ગુનાહીત કૃત્યના કારણે અરજદાર તેના પરિવાર સાથે હાલ તો રસ્તા પર આવી ગયા છે, તેવી કફોડી હાલત છે તેમછતાં પોલીસે પ્રસ્તુત કેસમાં સુપ્રીમકોર્ટના સંબંધિત ચુકાદાઓનો ભંગ કરીને આરોપીઓ વિરૂધ્ધ કોઇ કાર્યવાહી કરી નથી. એટલે સુધી કે, અરજદારે પોલીસ પાસેથી આરટીઆઇ હેઠળ માંગેલી માહિતીનો જવાબ પણ પોલીસ આપતી નથી. આ સંજોગોમાં કોર્ટે અરજદારને ન્યાય અપાવતો હુકમ કરવો જોઇએ.