ગાંધીનગર, ૯
આજે વિધાનસભા સત્રના બીજા દિવસનો સવારે ૮.૩૦ વાગ્યે પ્રારંભ થતા વિપક્ષ કોંગ્રેસનો આક્રમક મિજાજ દેખાઈ આવ્યો હતો. બનાસકાંઠામાં અને પાટણ જિલ્લામાં આવેલા પૂરપ્રકોપની ચર્ચા વખતે વાતાવરણ ગરમ થઈ ગયું હતું. કોંગ્રેસે ખેડૂતો અને અસરગ્રસ્તોને ન્યાય આપવાની માગણી કરતા સૂત્રોચ્ચાર કર્યા તે જ વખતે રાહુલ ગાંધી પર પથ્થર ફેંકવાનો મુદ્દો ઉછાળ્યો હતો. મહેસુલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રાહુલ ગાંધીએ બુલેટપ્રુફ કારને બદલે અન્ય કાર વાપર્યા સંદર્ભે જણાવેલ કે, પથ્થર પડયો તેમા તમારો જ વાંક છે.
ભૂપેન્દ્રસિંહના આ નિવેદનથી કોંગ્રેસનો આક્રોશ વધ્યો હતો. કોંગી ધારાસભ્યોએ ભાજપ શરમ કરો… ભાજપ શરમ કરો… તેવા સૂત્રોથી ગૃહ ગજવી દીધું હતું. મામલો બીચકતા જતા અધ્યક્ષે સાર્જન્ટોને સૂચના આપી કોંગી ધારાસભ્યોને બહાર કાઢયા હતા. ત્યાર બાદ ગૃહની કાર્યવાહી આગળ ચાલી હતી.
મહેસુલ મંત્રીએ પૂરગ્રસ્ત વિસ્તારો માટે સરકારે કરેલી કામગીરીથી સભ્યોને વાકેફ કરતા જણાવેલ કે, બનાસકાંઠા જિલ્લામાં તા. ૨૪ થી ૨૭ જુલાઈ વચ્ચે સરેરાશ વરસાદના ૧૬૩ ટકા જેટલો વરસાદ નોંધાયેલ. તેમજ પાટણ જિલ્લામાં સરેરાશ વરસાદના ૧૩૮ ટકા જેટલો વરસાદ નોંધાયેલ. અતિ ભારે વરસાદના કારણે આપત્તિજનક પરિસ્થિતિ નિવારી શકાય તકે માટે સરકારે પૂર્વ આયોજન હાથ ધર્યુ હતું.