અમદાવાદ, તા.ર૩
ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં ગોળી મારીને હત્યા કરવાના ચકચારી કેસમાં તપાસ કરતી સીટની ટીમે બે શાર્પશુટરો સહિત કુલ ચાર આરોપીને અત્યારસુધી પકડી પાડ્યા હતા. ત્યારે આ કેસમાં એક આરોપીનું નામ ખુલ્યું હતું. તે આરોપી મહારાષ્ટ્રની યરવાડા જેલમાં બંધ હતો તેને ટ્રાન્સફર વોરંટના આધારે ગુજરાત લાવવાની તજવીજ હાથ ધરાઈ છે તેમજ જયંતી ભાનુશાળી હત્યા કેસમાં વપરાયેલા બે હથિયારો પણ નાસીકથી કબજે કરવામાં આવ્યા છે.
પોલીસના જણાવ્યા મુજબ ભાજપના નેતા જયંતી ભાનુશાળીની ફાયરીંગ કરી હત્યા કરવાના કેસમાં સંડોવાયેલા શાર્પશુટરો શશીકાંત દાદા કાંબલે ઉર્ફે બીટિયા દાદા અને અશરફ અનવર શેખને સીટની ટીમે તાજેતરમાં પકડી પાડ્યા હતા. તેમના રિમાન્ડ દરમ્યાન બંને શાર્પશુટરોએ ભાનુશાળીની હત્યામાં વપરાયેલા હથિયારો ક્યાં છૂપાવ્યા છે તેની કબૂલાત કરી હતી. તેના આધારે સીટની ટીમ શાર્પશુટર અશરફ શેખને લઈને નાસીક ગઈ હતી. જ્યાં વાવદેવી નદીના કિનારે આવેલા સ્મશાનગૃહ ખાતે તેમણે જમીનમાં દાટેલી બંને પિસ્તોલ મળી આવી હતી. ત્યારે પોલીસે બંને પિસ્તોલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી તેમજ આ કેસમાં પુનાના વિશાલ કાબંલેનું નામ ખુલતા પોલીસે તેનછ તપાસ આદરી હતી. ત્યારે વિશાલ કાબંલે કોઈ ગુનામાં યરવડા જેલમાં કેદ છે. ત્યારે આ કેસની તપાસમાં પૂછપરછ માટે ટ્રાન્સફર વોરંટના આધારે વિશાલનો કબજો મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે.