Site icon Gujarat Today

ભાનુશાળીની હત્યાની તપાસમાં ઢીલને મામલે ભૂજમાંં નીકળી આક્રોશ રેલી

(સંવાદદાતા દ્વારા) ભૂજ, તા.રર
કચ્છ ભાજપના પૂર્વ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યાની તપાસમાં થઈ રહેલી ઢીલથી પોલીસની નિષ્ફળતા અને સરકારની નિષ્ક્રિયતા સામે નારાજગી સાથે ભૂજના મંગળવારે લોકો દ્વારા આક્રોશરેલી કાઢવામાં આવી હતી.
તા.૮/૧/૧૯ના રોજ જયંતિ ભાનુશાલીની હત્યા બાદ હજુ સુધી હત્યારાઓ પૂર્ણરૂપથી પકડાયા નથી. જેથી કચ્છી ભાનુશાલી સમાજ આયોજિત આજની આક્રોશ રેલીમાં રાજકીય-સામાજિક આગેવાનો પણ જોડાયા હતા. હત્યાના ૧પ દિવસ બાદ પણ ઠોસ કાર્યવાહી ન થતા આ રેલી યોજાઈ હતી. જેમાં અબડાસાના કોંગ્રેસી ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ભાજપ અગ્રણી પરેશસિંહ જાડેજા, કચ્છ મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ ઈબ્રાહિમ હાલેપૌત્રા વગેરે જોડાયા હતા. જો કે કચ્છ ભાજપના પ્રમુખ સહિતના અગ્રણીઓ ગેરહાજર દેખાયા હતા. કચ્છ ભાજપ માટે યુવાનીકાળથી જ મહેનત કરનાર જયંતિ ભાનુશાલીની હત્યાના મૂળ સુધી પહોંચવાની માંગ સાથેની આ રેલીમાં ખુદ ભાજપના જ હોદ્દેદારો ગેરહાજર રહેતા લોકોમાં ચર્ચા જાગી હતી.

Exit mobile version