(એજન્સી) નવી દિલ્હી/પટના, તા. ૬
એસસી/એસટી કાયદામાં સુધારાના વિરોધમાં દેશના કેટલાક ઉચ્ચ વર્ગના સંગઠનોએ ગુરૂવારે ભારત બંધનું આહ્વાન કર્યું હતું જેના પગલે સમગ્ર દેશના સંવેદનશીલ રાજ્યોમાં સલામતી વ્યવસ્થા કડક બનાવવામાં આવી હતી. બંધ દરમિયાન આગચંપી, ટ્રેનો રોકાઇ અને પોલીસ સાથે ઘર્ષણની ઘટનાઓ બની હતી. મધ્યપ્રદેશના બે જિલ્લાઓમાં બંધને પગલે શાળાઓમાં રજા અપાઇ હતી જેમાં ગ્વાલિયરનો પણ સમાવેશ થાય છે જ્યારે રાજ્યભરમાં સવારે ૧૧થી સાંજે ચાર વાગ્યા સુધી તમામ પેટ્રોલ પંપ બંધ રખાયા હતા. રાજસ્થાનના ૧૦ જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું હતું. બીજી તરફ બિહારમાં આંદોલન ઉગ્ર બન્યું હતું અને આગચંપી તથા ટ્રેનો રોકવાની ઘટનાઓ બની હતી. મધ્યપ્રદેશમાં દેખાવો ઉગ્ર બનતા પોલીસે દેખાવકારો પર લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. રાજસ્થાનના ઉદયપુરમાં બંધને સમર્થન આપી દુકાનો બંધ રહેવા પામી હતી. બંધની અસર રાજસ્થાન, યુપી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર ઉત્તરાખંડ સહિતના રાજ્યોમાં પણ દેખાઇ હતી.
કેન્દ્રની ભાજપ સરકાર તરફથી એસસી/એસટી એક્ટમાં કરાયેલા સંશોધન બાદ ગુરૂવારે સવર્ણ સંગઠનો દ્વારા બોલાવાયેલા બંધની વ્યાપક અસર જોવા મળી હતી. બંધની સૌથી વધુ અસર બિહારમાં જોવા મળી હતી. બિહારના જુદા-જુદા જિલ્લાઓમાં દેખાવો થયા હતા અને અહીં ટ્રેનો સાથે માર્ગો પણ જામ કરવામાં આવ્યા હતા. મધ્યપ્રદેશમાં દેખાવો પર નજર રાખવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અહીં લોકોએ કાળા કપડાં પહેરીને પ્રદર્શનો કર્યા હતા. બિહારના આરા જિલ્લામાં રેલવે સ્ટેશનમાં સવર્ણોએ ટ્રેન રોકી પ્રદર્શનો કર્યા હતા જ્યારે મધુબનીમાં નેશનલ હાઇવે પર ચક્કાજામ કરાયો હતો. લાંબા જામને કારણે યાત્રીઓને ખાસ્સીપરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત નેશનલ હાઇવે ૩૧ પર પણ જામ કરી કેન્દ્ર સરકાર વિરૂદ્ધ નારેબાજી કરી રહ્યા હતા. બિહારમાં દેખાવકારોએ સીતામઢીમાં દરભંગા એક્સપ્રેસને રોકી હતી જ્યારે દરભંગામાં બિહાર સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસને રોકવામાં આવી હતી. ઉપરાંત બિહારના અન્ય વિસ્તારોમાં પણ દેખાવકારોએ કેન્દ્ર સરકાર વિરોધી નારેબાજી કરીને માર્ગો પર ચક્કાજામ કર્યો હતો. મધ્યપ્રદેશમાં બંધને પગલે સાવચેતીને ભાગરૂપે તંત્ર તરફથી શાળા-કોલેજો બંધ રાખી હતી જ્યારે પેટ્રોલ પંપ માલિકોએ પણ દિવસભર માટે પેટ્રોલપંપ બંધ રાખવાની જાહેરાત કરી હતી. બંધને ધ્યાનમાં રાખી મધ્યપ્રદેશમાં ભારે પોલીસ સુરક્ષા ગોઠવી દેવામાં આવી હતી. અહીં સુરક્ષા દળોની ૩૪ કંપનીઓ અને ૫૦૦૦ સુરક્ષાકર્મી તૈનાત હતા. રાજ્યના ૩૫ જિલ્લાઓમાં એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. ઘણા સ્થળો પર ધારા ૧૪૪ લાગુ કરવામાં આવી હતી. રાજસ્થાનમાં પણ ઘણા જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું હતું. સવાઇ માધોપુરમાં બુધવાર રાતથી જ ધારા ૧૪૪ લાગુ કરી દેવામાં આવી હતી. જિલ્લા કાયદો વ્યવસ્થાના ડીજી એનઆરકે રેડ્ડીએ જણાવ્યું હતું કે, તમામ જિલ્લાઓના એસપી સાથે બુધવારે રાતે બેઠક કરવામાં આવી હતી. બીજી એપ્રિલે જે જિલ્લાઓમાં હિંસક ઘટનાઓ બની હતી તેને જોતાં સીકર, અલવર, કરૌલી અને ગંગાપુરમાં વધારાની કૂમક ખડકી દેવાઇ છે. તેમણે જણાવ્યું કે, ૧૦ જિલ્લામાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કરૌલી જિલ્લાના હિંદુઆમાં વધુ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ છે કારણ કે પહેલા અહીં હિંસક દેખાવો થયા હતા. ઉત્તરપ્રદેશના વારાણસી અને લખનઉમાં પણ ઉગ્ર દેખાવો થયા હતા અને કેટલાક સ્થળે પૂતળા બાળવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રના થાણેના નવઘરમાં ભારત બંધ દરમિયાન લોકોએ દેખાવો કર્યા હતા. સરકાર દ્વારા કરાયેલા એસસી-એસટી એક્ટના સુધારાનો વિરોધ કરતા લોકોએ નારેબાજી કરી હતી.