(એજન્સી) તા.૧૦
લગભગ બે મહિનાથી ડોકલામ સરહદે ભારત અને ચીન વચ્ચે ખેંચતાણ સક્રિય છે. બંને દેશો તરફથી આ તંગદિલીમાં ઘટાડો કરવાના કોઇ સંકેત મળ્યા નથી. દરમિયાન ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે ચીની સંરક્ષણ મંત્રાલયના એક સૂત્રનો હવાલો આપતા બુધવારે સમાચાર એજન્સી રોઈટર્સના એવા અહેવાલો ફગાવી દીધા છે જેમાં તેણે જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે ગોપનીય વાતચીત નિષ્ફળ થઇ છે. રોઈટર્સે કહ્યું હતું કે ચીને ભારત સામે બિનશરતી રીતે ડોકલામથી સૈનિકો પાછા ખેંચવા કહ્યું હતું. ગ્લોબલ ટાઇમ્સે કહ્યું કે આ સંપૂર્ણ ફેક સમાચાર છે અને આ એવી અફવા છે જેની કોઇ વાસ્તવિકતા નથી. ગ્લોબલ ટાઇમ્સે કહ્યું કે આ એકદમ અતાર્કિક છે. આ અખબારે ચીની સંરક્ષણ મંત્રાલયના અધિકારીના હવાલાથી આ વાત કહી છે. ગ્લોબલ ટાઇમ્સે લખ્યું છે કે શક્ય છે કે ભારત આ મામલે પ્રચાર કરી રહ્યો હોય કે તે રાજકીય સંવાદ ચાલુ રાખવા માગે છે. ગ્લોબલ ટાઇમ્સ મુજબ ભારત આવું તેની છબિ બનાવવાના ઇરાદાથી કરી શકે છે જેથી તેને ફાયદો મળે. આ ચીની અખબારે લખ્યું છે કે આજની તારીખમાં ભારત ચીનનો રણનીતિક હરીફ બનવા માટે અયોગ્ય છે. તેની સાથે જ ૯ ઓગસ્ટના રોજ ચીની વિદેશ મંત્રાલયે અનેક ચીની મીડિયાના ઘરાનાઓથી કહ્યું કે પ૩ ભારતીય સુરક્ષાકર્મી અને એક બુલડોઝર હજુ પણ ગેરકાયદેસર રીતે ચીની વિસ્તારમાં છે. દરમિયાન દલાઇ લામાએ બુધવારે કહ્યું હતું કે ભારત અને ચીન વચ્ચેની તંગદિલીનો અંત ફક્ત વાતચીતથી લાવી શકાય છે. ચીનના સરકારી સમાચાર એજન્સી શિન્હુઆએ પણ ડોકલામ વિવાદ અંગે ભારતને ચેતવણી આપી છે. શિન્હુઆ લખે છે કે ભારત મુશ્કેલીને હળવાશમાં ન લે. ભારતે ચીનને ઓછું ન આંકવું જોઇએ અને ન તો એ વિચારવું જોઇએ કે તે પોતાની સંપ્રભુતા અને રાષ્ટ્રીય હિતોની સુરક્ષા કરવામાં સક્ષમ નથી. શિન્હુઆએ લખ્યું છે કે જો ચીન અને ભૂતાન વચ્ચે સરહદી વિવાદ છે તો આ ચીન અને ભૂતાન વચ્ચેનો મુદ્દો છે. તેમાં ભારતે દખલગીરી ન કરવી જોઇએ. જો ભારત એવું વિચારે છે કે ચીન એક આક્રમણકારી બળથી વાત કરશે તો આ તેનો ભ્રમ છે. અત્યાર સુધી આ મામલે ચીની બળોએ પર્યાપ્ત શાંતિનો પરિચય આપ્યો છે પરંતુ શાંતિની એક મર્યાદા હોય છે. દરરોજ શાંતિની મર્યાદા ઘટી રહી છે. બેઇજિંગના ચાઇના ડેલીએ બંને દેશો વચ્ચે ચાલુ ગતિરોધ વિશે લખ્યું કે તંગદિલી હવે સાતમાં અઠવાડિયામાં પ્રવેશી ગઇ છે, હવે શાંતિપૂર્ણ સમાધાનના દરવાજા બંધ થાય છે. બંને દેશો વચ્ચે સૈન્ય અથડામણનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. બંને દેશો માટે યુદ્ધ કોઇ વિકલ્પ નથી. જોકે હજુ પણ યુદ્ધથી બચી શકાય છે.