(સંવાદદાતા દ્વારા) આણંદ, તા. ૩૧
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૩મી જન્મ જ્યંતિની આજે સરદાર પટેલના પૈતૃક ગામ કરમસદ સહિત સમગ્ર જિલ્લામાં ઉજવણી કરવામાં આવી હતી અને રન ઓફ યુનિટી સહિત સરદારની પ્રતિમા પર શ્રદ્ધાંજલી આપવાના કાર્યક્રમો ઠેર-ઠેર યોજાયા હતા.
વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતેથી આજે સવારે રન ઓફ યુનિટીનું દિપ પ્રગટાવી ઉદ્ઘાટન કર્યા બાદ જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક મકરંદ ચૌહાણ, નાયબ કલેક્ટર ઠાકુર સહિત અધિકારીઓ દ્વારા રન ઓફ યુનિટીને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે કુલપતિ ડૉ. શિરીષ કુલકર્ણી, તુષાર મજમુદાર સહિત હોદ્દેદારોએ સરદાર પટેલની પ્રતિમા પર પુષ્પાંજલી અર્પણ કરી રન ઓફ યુનિટીનું પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યારબાદ કરમસદ ખાતે પૂર્વ કેન્દ્રિય મંત્રી ભરતભાઈ સોલંકીએ સૌ પ્રથમ વીર વિઠ્ઠલભાઈ પટેલની પ્રતિમા પર પુષ્પાંજલી અર્પણ કરી શ્રદ્ધાંજલી અર્પણ કર્યા બાદ રેલી સ્વરૂપે બસ સ્ટેન્ડ પાસે આવેલ સરદારની પ્રતિમા પાસે પહોંચી ભરતભાઈ સોલંકીએ સરદારની પ્રતિમા પર પુષ્પાંજલી અર્પણ કરી હતી. આ પ્રસંગે ભરતભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, સરદાર પટેલે સમગ્ર દેશને એક્તાના તાંતણે બાંધવાનું કામ કર્યું છે. અખંડ ભારતના યોગદાનમાં સરદાર પટેલનું મહત્વનું યોગદાન રહેલું છે. સરદાર પટેલે દેશને ધર્મ, કોમ અને દરેક જાતિના લોકો સાથે એક્તાના તાંતણે બાંધવાનું કામ કર્યું છે. આજે કેટલાક ભાગલાવાદી પરીબળો કોમ-કોમ, જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચે નફરત ફેલાવી એક્તાને તોડવાનું કૃત્ય આચરી રહ્યા છે. ત્યારે આપણે સરદાર પટેલે આપેલી એક્તાને જાળવી રાખવાની ફરજ છે અને સરકારે પણ દેશમાં એક્તા પ્રસરે તે માટે પ્રયાસો કરવા જોઈએ. આ પ્રસંગે તેઓની સાથે ધારાસભ્ય કાંતીભાઈ સોઢા પરમાર, જિલ્લા પંચાયતનાં પ્રમુખ નટરવરસિંહ મહિડા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વિનુભાઈ ઠાકોર, આણંદ શહેર કોંગ્રેસ પ્રમુખ અલ્પેશ પઢીયાર, કરમસદ શહેર કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ સોલંકી, જિલ્લા માઈનોરીટી ડિપાર્ટમેન્ટનાં પ્રમુખ યુનુસભાઈ મુખી, મહિલા અગ્રણી ઈશ્વરીબેન શર્મા, જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ સરલાબેન પટેલ, સિરાજ દિવાન સહિત અગ્રણીઓ દ્વારા સરદાર પટેલની પ્રતિમા પર શ્રદ્ધાસુમન અર્પિત કરાયા હતા.
વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતેથી આજે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાનારી રન ઓફ યુનિટી માટે વલ્લભ વિદ્યાનગરની આદર્શ નિવાસી શાળાની બાળકીઓને લાવવામાં આવી હતી અને દોઢ કલાક સુધી મેદાનમાં સતત ઉભા રહેવાના કારણે એક બાળકીને ચક્કર આવતાં તે જમીન પર પટકાઈ હતી. જેથી મામલતદાર સહિત અધિકારીઓએ દોડીને બાળકીને ત્વરીત સારવાર માટે ૧૦૮ની એમ્બ્યુલન્સ વાનમાં ખસેડવામાં આવી હતી. સરકારી કાર્યક્રમોમાં સરકારી શાળાઓમાંથી બાળકોને લાવવામાં આવ્યો છે અને લાંબા સમય સુધી ઊભા રાખવાને કારણે બાળકોની સ્થિતિ કફોડી થઈ જતી હોય છે. ત્યારે સરકારી કાર્યક્રમોથી બાળકોને દૂર રાખવા જોઈએ તેવી લાગણી પ્રવર્તી રહી છે.