(એજન્સી) બેઇજિંગ,તા.૩૧
છેલ્લા કેટલાક સપ્તાહોથી ચીનનું વિદેશ મંત્રાલય એવો આગ્રહ રાખી રહ્યો હતો કે નવી દિલ્હી ચીનના પ્રદેશમાંથી પોતાની સેનાઓ બિનશરતી હટાવી લે. ચીને અવારનવાર એવી ધમકી પણ આપી હતી કે અમે જરુર પડ્યે યુદ્ધ માટે તૈયાર છીએ તેમ છતાં સોમવારે એવું લાગ્યું હતું કે નવી દિલ્હી નહી પણ બેઇજિંગે પીછેહઠ કરી હતી. બંને પક્ષોએ મડાગાંઠનો અંત લાવવા પોતાની સેનાઓ પાછી ખેંચી લીધી હતી એવું લશ્કરી સૂત્રોએ ભારતીય અખબારોને જણાવ્યું હતું કે ચીને આ પ્રદેશમાં રોડ બાંધવા માટેના બુલડોઝર પણ પાછા ખેંચી લીધા છે.
જો કે કેટલાક નિષ્ણાતોએ એવો મત વ્યક્ત કર્યો હતો કે અત્યારથી વિજય જાહેર કરવો એ કવેળાનું છે કારણ કે ચીન તેના સત્તાવાર નિવેદનમાં શંકાસ્પદ જોવા મળ્યું છે. ચીને એવો આગ્રહ રાખ્યો હતો કે સેનાઓ વિવાદી વિસ્તારમાં પોતાનું પેટ્રોલિંગ અને કિલ્લેબંધી જારી રાખશે તેમજ ત્યાં પોતાના સાર્વભૌમ અધિકારોનો અમલ ચાલુ રાખશે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે દેશ વાસ્તવિક સ્થિતિને અનુરૂપ બાંધકામનું આયોજન કરશે. ત્યારબાદ બુધવારે ચીનના વિદેશ પ્રધાન વાંગ ઇએ ભારતને ઠપકો આપતા જણાવ્યું હતું કે અમે આશા રાખીએ કે ભારત આમાંથી કોઇ પાઠ ભણશે અને આવા બનાવો ફરીથી બનશે નહીં.
ભારતમાં સમાચારોમાં એવું ચિત્ર રજૂ કરવામાં આવ્યું હતું કે આ મડાગાંઠનો ઉકેલ એ ભારતીય ડિપ્લોમસીનો અને તેમના પડદા પાછળના પ્રયાસોનો વિજય છે. ચીનમાં પણ સરકારી મીડિયાએ ઠરાવને એશિયા માટેના વિજય તરીકે દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સોશિયલ મીડિયા પર કેટલાક નેટિઝન દ્વારા અપ્રિય પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ભારત સેનાઓ હટાવી રહ્યું છે એ હકીકત છે પરંતુ શું આપણે ચીનને રસ્તાના નિર્માણ જેવા કેટલાક અધિકારો આપ્યા છે ? એવો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.