(સંવાદદાતા દ્વારા) ભરૂચ, તા.૧૪
ભરૂચ શહેરમાં આજે સવારે એકાએક આકાશમાં કાળા ડિબાંગ વાદળો સાથે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થતા ગણતરીના કલાકોમાં જ શહેરના નિચાણવાળા વિસ્તારની ગટરો ઝરણા બનીને વહેતી થઈ હતી અને શહેરના કેટલાય વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો હતો. ભરૂચ શહેરના કસક ગરનાળામાં પાણીનો ભરાવો થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો શહેરના દાડિયા બજાર, ધોળીકૂઈ બજારમાં ગટરો નદી બનીને વહેતી થઈ હતી. જ્યારે ભરૂચ શહેરનું પાણી જ્યાંથી વહે છે તે ફુરજાની ચાર રસ્તા પીરકાંઠી વિસ્તારમાં આ જ ગટરો ચોકઅપ થતા વરસાદી પાણીનો નિકાલ નહીં થતા રસ્તા ઉપર ઉભેલા વાહનોમાં રિક્ષા, કાર એકાએક પાણીમાં વહેતી થઈ હતી. જ્યારે કેટલીક બાઈકો પાણીમાં ભરાવામાં ડૂબી હતી. જ્યારે ભરૂચ શહેરના ફુરજા ચાર રસ્તા પીરકાંઠી વિસ્તારમાં આ સમસ્યા ચોમાસા દરમ્યાન રહે છે પરંતુ પાલિકા સત્તાધીશો આ વિસ્તાર પ્રત્યે ધ્યાન આપતા નથી.