ભરૂચની ૧૬૮ વર્ષ જૂની પ્રતિષ્ઠિત આર.એસ. દલાલ શાળા સ્થાનિક ભાજપી રાજકારણનો ભોગ બની!

(સંવાદદાતા દ્વારા) ભરૂચ, તા.૬
ભરૂચ શહેરમાં આવેલી ૧૬૮ વર્ષ જૂની પ્રતિષ્ઠિત શાળા આર.એસ. દલાલ શાળામાં અસંખ્ય આઝાદીના લડવૈયાઓ અને વિરલ વ્યક્તિત્વના માલિકોનું સર્વાંગી ઘડતર થયું હોવાનું ઈતિહાસ ખુદ બોલે છે. સ્વાતંત્ર્ય સેનાની અને દેશના પ્રથમ કાયદા અને વનપ્રધાન, પ્રખર મૂર્ધન્ય સાહિત્યકાર ક.મા.મુન્શી, બ.ક.ઠાકોર અને બી.જે. દિવાન જેવા અસંખ્ય સાહિત્યકારો, કલાકારો, હજારો, તબીબો, એન્જિનિયર્સ, રાજ્ય, દેશ અને શહેર જિલ્લાને સમર્પિત કર્યા છે. એ શાળાનું ગૌરવ સરકારી સંચાલન હેઠળ આઝાદીના છ દાયકા બાદ સદંતર તળીએ જઈ બેઠું છે.
એક સમયે બે-બે પાળીમાં ચાલતી આ ઐતિહાસિક આર.એસ. દલાલ શાળામાં આર્ટસ અને કોમર્સના બેથી ત્રણ હજાર વિદ્યાર્થીઓ ભણતા હતા. વિજ્ઞાન પ્રવાહ માટે તો એ સમયે આ એકમાત્ર શાળા અમલમાં હતી. પરંતુ ૧૯૮૦ બાદ આ શાળા સંપૂર્ણ રીતે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના તાબા હેઠળ હોઈ ક્રમશઃ એની શિક્ષણની ગુણવત્તા અને વિદ્યાર્થીઓની સંખ્યાનો કરૂણ રકાસ થયો હતો. વારંવાર શાળાના સ્થળાંતરની માગણી અવગણતા આ સંસ્થાનું ધોરણ ૧૦, ધોરણ ૧૧ તથા ધોરણ ૧રનું પરિણામ શૂન્યથી લઈ ૧૦થી ર૦ ટકા પહોંચ્યું હતું.
સરકારની નવી નીતિ પ્રમાણે આવી વહીવટી અને શૈક્ષણિક રીતે નિષ્ફળ જતી શાળાઓને ખાનગી સંચાલક મંડળોને શરતી વહીવટ સોંપવાની શરૂઆતમાં ભરૂચની અવિધા શાળા તથા રાજપીપળાની અલમાવાડીની શાળાઓ પ્રોપર્ટી સહિત ખાનગી મંડળોને સોંપાઈ હતી. એ જ રીતે ભરૂચની આર.એસ.દલાલ શાળા પણ છેક ર૦૦પથી ખાનગી સક્ષમ સંચાલક મંડળને સોંપવા હિલચાલ હાથ ધરાઈ હતી. ભરૂચની આજ શાળામાં ભણતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના એક ટ્રસ્ટ નર્મદા એજ્યુ. એન્ડ વેલ્ફેર દ્વારા શાળાનો વહીવટ હસ્તગત કરવા, સરકારના નીતિ નિયમો પ્રમાણે પ્રક્રિયા હાથ ધરાઈ હતી. શૂન્ય ટકાનું પરિણામ અને ૧૦૦થી પણ ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી આ શાળાને પુનઃ ગૌરાન્વિત કરવાની ટ્રસ્ટની દરખાસ્ત સરકારે એકાએક ર૦૧પમાં શૈક્ષણિક સત્ર શરૂ થવાના ૧૦ દિવસ પૂર્વે સ્વીકારી, જૂન-ર૦૧પમાં નર્મદા એજ્યુ. એન્ડ વેલ્ફેર ટ્રસ્ટને ર૭ જેટલી શરતોએ એગ્રીમેન્ટ કરી સોંપી હતી.
સદર એગ્રીમેન્ટમાં શાળાનું શૈક્ષણિક સ્તર પરિણામ ઊંચું લાવવા અને વિદ્યાર્થીઓની સંખ્યા વધારવાની શરત સરકારે મૂકી હતી. આ લક્ષ્યાંક હાંસલ કરવા માટે સંચાલક મંડળે તન-મન-ધનથી પ્રયાસ કર્યા હતા. જેમાં બીજા જ વર્ષે પરિણામ સુધર્યું અને લગભગ વિદ્યાર્થીઓની સંખ્યા પણ ડબલ થઈ હતી. સરકારે મુકેલ ર૭ શરતોમાં સંચાલક મંડળે વહીવટ સંભાળ્યાના પ્રથમ દિવસથી જ ૧૦૦ ટકા ગ્રાન્ટ આપવાની શરત તથા જૂની શાળાના શૈક્ષણિક સ્ટાફને પ્રતિવર્ષ ૩૩ ટકા પ્રમાણે ટ્રાન્સફર આપી નવનિયુક્તિની સરળતાને સરકાર દ્વારા જ ભંગ કરવામાં આવ્યો હતો.
વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા ટ્રસ્ટે શહેરના મધ્યમાં અનુકૂળ લોકેશનમાં આવેલ આજ શાળાની ૧૯૧૩માં બંધાયેલી અને જેની ઉપર સરકારી કચેરીઓએ કબજો જમાવ્યો છે તે હોસ્ટેલ ગ્રાઉન્ડમાં આવેલ બિલ્ડિંગની માગણી કરી હતી.
ઉપરાંત એક સમયના ધમધમતા વિસ્તારમાં આવેલ આર.એસ. દલાલ સ્કૂલ હાલમાં નિર્જન બની ગઈ હોઈ, આ શાળાને ટ્રસ્ટના રૂા.૪ કરોડના ખર્ચે સરકારી શરતો એ આજ શાળાના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આવેલ એના જરી પુરાણા અને તદ્દન બિનવપરાશ/પડતર એવા સ્ટાફ ક્વાટર્સ, આચાર્ય નિવાસ સ્થળે હાલના રમત ગમતના મેદાને જરાપણ અવરોધ-નુકસાનના થાય એ રીતે બાંધવાની નિસ્વાર્થ દરખાસ્ત પણ કરેલ. એ તમામ વિગતો શિક્ષણમંત્રીને રૂબરૂ મળીને સમજાવેલ. જેની ઈન્કવાયરીમાં ઓક્ટોબર ર૦૧૬માં આવેલ શિક્ષણ કમિશનરે સ્થળની રૂબરૂ મુલાકાત પછી આ કામ તો થવું જ જોઈએ એવો અભિપ્રાય આપેલો, સૈદ્ધાંતિક રીતે શિક્ષણમંત્રી પણ સંમત થયેલા પરંતુ ભરૂચ શહેરના કેટલાક સ્થાપિત હિત ધરાવતા તત્ત્વો દ્વારા એક ગુપ્ત ઝુંબેશ ચલાવવામાં આવી હતી.
જો આર.એસ.દલાલ શાાળાનું સ્થળાંતર હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર થાય અને સાથે શાળાનો પુનઃઉધ્ધાર થાય, ખાનગી સંચાલન મંડળનો વહીવટ હોઈ, ફીના સરકારી ધોરણ હોઈ, તો ઘણી બધી શાળાના વેપાર-ધંધા ઠપ થઈ જાય એવા તત્ત્વોએ આ હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર પ્રાથમિક શાળાની મંજૂરી અને ધોરણ નવથી બારના વર્ગો માટે નવી બિલ્ડિંગ સ્થળાંતરણ માટે કેટલાક નેતાઓને વિશ્વાસમાં લઈ ભારે નકારાત્મક પ્રયાસો અને દબાણ સર્જયા હતા. જેમાં સ્થાનિક રાજકારણની જૂથબંધી, રાગદ્વેષ અને બદલાની ભાવના પણ જોડાઈ હતી.
ટ્રસ્ટ દ્વારા આ અંગે વડાપ્રધાન અને મુખ્યમંત્રીને પત્ર પાઠવવા ઉપરાંત સ્થાનિક નેતાઓ, પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર સહિતનાઓને રજૂઆતો અને સ્પષ્ટતા કરી હતી પરંતુ એમના ભેદી મૌન બાદ નર્મદા એજ્યુ. એન્ડ વેલ્ફેર ટ્રસ્ટને, લાખો રૂપિયાના ખર્ચ બાદ પણ જરૂરી લક્ષ્યાંકો પ્રાપ્ત કરવાની સુવિધા ના મળતા સરકાર દ્વારા જ એણે મૂકેલી શરતોનો ભંગ થતા, જિલ્લા શિક્ષણાધિકારી અને સમગ્ર શિક્ષણ વિભાગને ટ્રસ્ટ જો સરકાર એણે મૂકેલી શરતોનું પાલન કરવા ના માગતી હોય, તો શરતી રીતે વહીવટ પરત લઈ લેવા ટ્રસ્ટે ઠરાવ અને પત્ર દ્વારા જણાવેલું.
પરંતુ સરકારી તંત્રનું પેટનું પાણી સુદ્ધાં ના હાલતા છેવટે એક મહિના બાદ તારીખ ૧૧ સપ્ટે. ર૦૧૭ના રોજ પોતાના બાહોશ એડવોકેટ દ્વારા તમામ તલસ્પર્શી હકીકતો, પત્રવ્યવહારો અને સાબિતીઓ સાથે ગુજરાત હાઈકોર્ટમાં એક રીટ પિટિશન દાખલ કરી શિક્ષણ સમાજ અને સંચાલન મંડળની વિવિધ દાદની ઉકેલની માગણી અને ન્યાયની ટહેલ નાખેલી છે. આ અંગે કોર્ટ રાજ્ય સરકારને રપ સપ્ટે. ર૦૧૭ના રોજ નોટિસ કાઢ્યા બાદ સરકારી વિનંતી પ્રમાણે આ કિસ્સા સાથે સંકળાયેલા જિલ્લા શિક્ષણાધિકારી તથા જિલ્લા કલેક્ટરને પણ સરકાર દ્વારા નોટિસ કાઢવા ચક્રો ગતિમાન થયા છે. આ બાબત સરકાર માટે શરમજનક અને નિષ્ફળતાની ચાડી ખાતી ઘટના છે.
હોસ્ટેલ ગ્રાઉન્ડની અવદશા અને દુરૂપયોગ માટે જવાબદાર કોણ ?
(સંવાદદાતા દ્વારા) ભરૂચ, તા.૬
અંગ્રેજોના શાસન સમયે ૧૯૧૧થી ૧૯૧૩ દરમિયાન તત્કાલીન પારસી ટ્રસ્ટ સંચાલિત આર.એસ.દલાલ હાઈસ્કૂલના આચાર્ય દ્વારા શાળામાં ભણતા વિદ્યાર્થીઓને રહેવા માટે, શાળાના સ્ટાફ માટે અને શાળાના વિદ્યાર્થીઓની રમત-ગમત પ્રવૃત્તિ માટે શાળાની સ્થાપના પ૪ વર્ષ બાદ અંગ્રેજ સરકાર પાસે શાળાની દૂર (તે સમયે ગામ બહાર) વિશાળ જગ્યાની માગણી કર્યાના અધિકૃત પત્રો સ્પષ્ટ કરે છે કે, હોસ્ટેલ ગ્રાઉન્ડની માલિકી અને સંચાલનનો અધિકૃત વ્યક્તિ આચાર્યશ્રી આર.એસ.દલાલ જ છે.
આઝાદી પૂર્વે શિક્ષણ વિભાગના અધિકારીને કામચલાઉ ઓફિસ ચલાવવા વારંવાર આચાર્યશ્રી આર.એસ. દલાલને વિનંતી કર્યાના પત્રો પણ રેકર્ડ ઉપર ઉપલબ્ધ છે. જ્યાં હાલ સરકારી ઓફિસો છે, ત્યાં પહેલાં છાત્રાલય તથા બાળકોનું રમતગમતનું મેદાન હતું. પાલિકાની ટેક્સ રસીદો પણ બોલે છે. તેમ છતાં જેવી આ હોસ્ટેલ બિલ્ડીંગની વર્તમાન શાળાના “ફીડિંગ યુનિટ” તરીકે કામચલાઉ પ્રા.શાળા શરૂ કરવા માટે સંચાલક મંડળે માગણી કરી કે રીતસરના હોસ્ટેલ ગ્રાઉન્ડની માલિકી બાબતે તત્કાલીન ડી.ઈ.ઓશ્રી માછી, જિ.કલેક્ટરાલયના એક કર્મચારીએ “ગેમ” બનાવી શાળા પાસેથી ગ્રાઉન્ડનો વહીવટ જ છીનવી લેવાનો કારસો ઘડાયો. જેની સામે સંચાલક મંડળે રીતસર પુરાવાઓ અને કાયદેસરની રજૂઆતો કરી, હોસ્ટેલનો વહીવટ આચાર્યશ્રી આર.એસ.દલાલને પરત અપાવ્યો. છેલ્લા ૯૦ વર્ષથી માત્ર જિલ્લા કલેક્ટરની સલાહ મુજબ આ ગ્રાઉન્ડનો વહીવટ આચાર્યશ્રી આર.એસ. દલાલે જ કર્યો છે. ને શાળા જ શિક્ષણ-રમત ગમતના હેતુ માટે જ જમીન અંગ્રેજ સરકારે સંપાદિત કર્યાના પુરાવા પણ છે. પરંતુ આશ્ચર્યજનક રીતે સિટી સર્વેમાં ૧૯૭પ-૭૬ના ૧૦૦ વર્ષ પછી થતાં સર્વેમાં “શ્રી સરકાર” માલિકી હક્ક બતાવાયો છે. એટલું જ નહીં, કબજાના આધારે “ડી.ઈ.ઓ. કચેરી” અને “ડી.વાય.એસ.પી. કચેરી”ની પણ આશ્ચર્યજનક નોંધ જોવા મળે છે. જો જગ્યા સરકારની છે, શ્રી સરકાર થયેલી છે તો આવી નોંધ કેમ કરવી પડી ? ને જે કાંઈ આવક મેદાનના ભાડા પેટે આવે છે. તે શિક્ષણ વિભાગના ૦ર૦ર (સામાન્ય શિક્ષણ) અંકના ચલણથી જ સરકારમાં જમા થાય છે. આ મેદાન ખરેખર શૈક્ષણિક અને રમત-ગમતની પ્રવૃત્તિ સિવાય જો અન્ય કામોમાં વપરાય તો જામીન સંપાદનનો “હેતુ ફેર” બને અને જૂના માલિકો જાગે, તો હોસ્ટેલ ગ્રાઉન્ડ જ મોટો ઈસ્યુ બની જાય!!
કહેવાય છે કે આર.એસ. દલાલના સંચાલનને હસ્તગત કરતાં સમયે સરકાર દ્વારા નિયમોનુસાર હોસ્ટેલ ગ્રાઉન્ડ પણ ટ્રસ્ટને આપવાની જાણ થતાં જ ઘણા રાજકારણીઓના ભવાં ચઢી ગયા હતા. હોસ્ટેલ ઉપર શાળાના સ્થળાંતરણ અને ડી.ઈ.ઓ. કચેરી, ડી.વાય.એસ.પી. કચેરીને સરકારી કચેરીઓમાં શીફ્ટ કરવા માટેની દરખાસ્તની ચકાસણી કરવા આવેલા ડો. પાંડેએ સ્થળ ઉપર જ સૂચવેલા પ્લાનને ડો.પાંડેએ તાત્કાલિક રૂા.૪પ લાખ ફાળવી, ટ્રસ્ટ દ્વારા જ કામ થાય એ શરતે ગ્રાન્ટ મંજૂરીનો પત્ર પાઠવી દીધો હતો. સતત એક વર્ષ તનતોડ મહેનત પછી આયોજન મંડળની તમામ કાયદેસરની પ્રક્રિયાઓ પૂર્ણ કરી દેવાઈ હતી અને સરકારી અધિકારી સાથે સંયુક્ત સહિયાળું ખાતું પણ નર્મદા એજ્યુ. એન્ડ વેલ્ફેર દ્વારા ખોલાવીને ગ્રાન્ટની ફાળવણીની જ રાહ જોવાતી હતી. તેવા સમયે કહેવાય છે કે, ભરૂચ ભાજપાના જ એક પ્રાદેશિક કક્ષાના નેતા પાસે ભાજપના જ એક જૂથે જનહિત વિરૂદ્ધ જઈને આક્રમક દ્વેષપૂર્વક રજૂઆત કરાતા, વહીવટી તંત્રએ કોઈપણ વ્યાજબી કારણ આપ્યા વિના જ ગ્રાન્ટ આજદિન સુધી ફાળવી ના હોવાનું વહીવટીતંત્રમાંથી જ જાણવા મળેલ છે. ટ્રસ્ટે આ મુદ્દા પણ રીટ પિટિશનમાં ઉઠાવતાં જિલ્લા કલેક્ટરાલય નીચે પણ રેલો આવ્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks