
(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા.૧૪
આણંદના લાયન્સ હોલ ખાતે ઉમ્મીદ ગૃપના ઉપક્રમે સમાજનાં તેજસ્વી વિદ્યાર્થીઓ માટે પ્રથમ ઈનામ વિતરણ અને સન્માન કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં સમાજનાં ધો.૧૦, ધો.૧૨ અને સ્નાતક, અનુસ્નાતક અને ડાકટર, એન્જિનિયરની ડિગ્રી પ્રાપ્ત કરનારા તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તિલાવતે કુરઆનથી કાર્યક્રમનો પ્રારંભ કર્યા બાદ ઉમ્મીદ ગૃપનાં સભ્ય ડા.જાવેદ વ્હોરાએ સ્વાગત પ્રવચન કર્યા બાદ ઉમ્મીદ ગૃપનાં સભ્ય ઈમરાન કલાસીકએ ઉમ્મીદ ગૃપની પ્રવૃત્તિ અને હેતુઓ માટે જાણકારી આપી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાનપદે ઉપસ્થિત રહેલા ગુજરાત હજ કમીટીનાં સચીવ ઉસ્માનભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે, મુસ્લિમ સમાજમાં શિક્ષણ હતું ત્યાં સુધી મુસ્લિમો સર્વોપરી બની રહ્યા, શિક્ષણનું કેન્દ્ર મુસ્લિમ દેશો બન્યા હતા, અને ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન કે, પછી ખગોળ વિજ્ઞાન, હોય કે આંકડાશાસ્ત્ર હોઈ દરેક ક્ષેત્રે મુસ્લિમ વૈજ્ઞાનિકોનું યોગદાન રહ્યું છે, પરંતુ આપણે શિક્ષણનું મહત્ત્વ ભૂલી ગયા, સમાજ શિક્ષણથી દૂર થતો ગયો અને શિક્ષણ છોડવાનાં કારણે મુસ્લિમ સમાજ જ હાલતનાં અંધારામાં આવી ગયો, આપણે આપણા ભવ્ય શિક્ષણનાં વારસાને ફરી પ્રસ્થાપિત કરવો પડશે, આપણા પ્યારા નબી હજરત મોહંમદ મુસ્તુફા (સ.અ.વ)એ પણ આજથી ૧૪૦૦ વર્ષ પૂર્વે જયારે ચીનની મુસાફરી જટીલ અને મુશ્કેલ ગણાતી હતી, ત્યારે ચીન જઈને પણ શિક્ષણ મેળવવા અનુરોધ કર્યો હતો. ચીન ત્યારે દીની તાલીમ નહી પરંતુ દુન્યવી શિક્ષણનું કેન્દ્ર હતું એટલે દીની શિક્ષણની સાથે દુન્યવી શિક્ષણ પ્રાપ્ત કરવાનો પણ તેઓએ સંદેશ આપ્યો હતો. તેઓએ સમાજની દીકરીઓને પણ ઉચ્ચ શિક્ષણથી સજ્જ કરવા અનુરોધ કરી કહ્યું હતું કે, સમાજની ઉમ્મીદો હવે નવી પેઢી પર રહેલી છે ત્યારે ભણીને નોકરી કયાં મળવાની છે. તેવી નકારાત્મકતા દૂર કરીને મહેનત કરી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી દેશનાં વિકાસમાં યોગદાન આપવા અનુરોધ કરતા કહ્યું હતું કે, ભારત દેશ તમામનો છે. કોઈ એક સમાજનો આ દેશ પર અધિકાર નથી એટલે સૌએ સાથે મળીને દેશનો વિકાસ કરવા અને સમાજનો વિકાસ કરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે મહેમાનપદે ઉપસ્થિત આણંદનાં કલેકટર ડા.ધવલકુમાર પટેલે જણાવ્યું હતું કે, તમારે શિક્ષણની સાથે તમારી સ્કીલને ડેવલોપ કરવી પડશે. તમે એવી કવોલીટી તૈયાર કરો કે, તમને નોકરી આપવા માટે સામેથી કંપનીઓ આવે. તમારી પોતે એવા કવોલીફાય બનો કે, નોકરી શોધવા તમારે જવાની જરૂર પડે નહી પણ નોકરી તમને શોધતી આવે. આ પ્રસંગે મહેમાનપદે ઉપસ્થિત ડા.રઈસાબેનએ જણાવ્યું હતું કે, ધો.૧૨ પછી શું કરવું જોઈએ તે માટે વાલીઓએ અને સમાજનાં આગેવાનોએ આગળ આવી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવું જોઈએ. માત્ર ડોકટર એન્જિનિયર નહી પણ આજે શૈક્ષણિક ક્ષેત્રે અનેક વિકલ્પો પડેલા છે અને આજનાં યુગમાં કયાં ક્ષેત્રમાં તકો રહેલી છે તે મુજબ આગળ વધવા અનુરોધ કર્યો હતો તેમજ દીકરા-દિકરીઓને સમાન ગણી શિક્ષણ આપવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે રકતદાન ક્ષેત્રે ઉમદા કામગીરી બદલ ઉમ્મીદ ગૃપનાં ઈમરાન કલાસીક, ટીકુભાઈ કાજલ રોડવેજવાળા, નાસીરભાઈ ખલીફાનું કલેકટરનાં હસ્તે વિશિષ્ઠ સરપ્રાઈઝ સન્માન કરવામાં આવ્યું હતું જ્યારે ગુજરાત ટુડેનાં આણંદ જિલ્લાનાં બ્યુરોચિફ બુરહાન પઠાણનું સમાજનાં પ્રશ્નોને વાચા આપવા બદલ ઉમ્મીદ ગૃપનાં પ્રમુખ રિયાજ રીલુનાં હસ્તે સરપ્રાઈજ વિશિષ્ઠ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સામાજિક કાર્યકર રાજુભાઈ હાલાણી મુખ્યમહેમાન પદે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ધો.૧૨, ધો.૧૦, સ્નાતક, અનુસ્નાતક અને ડોકટર તેમજ એન્જિનિયરિંગ ક્ષેત્રે સફળતા મેળવી ડિગ્રી પ્રાપ્ત કરનારા સમાજનાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકાનાં પૂર્વ ઉપપ્રમુખ અબ્દુલરસીદ કાજલરોડ વેજવાળા, કાઉન્સિલર સહીદાબેન વ્હોરા, રોસનબેન મેમણ, આરીફભાઈ ઝકરિયા હોસ્પિટલ, વલીભાઈ બોરિયાવીવાળા, હારૂનભાઈ ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં ઉમ્મીદ ગૃપનાં પ્રમુખ રિયાઝભાઈ ઉર્ફે રીલુએ આભારવિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમની સફળતા માટે ઉમ્મીદ ગૃપનાં શકીલભાઈ ચાંપાનેરવાળા, અમીનભાઈ માસ્તર, ઈરફાનભાઈ એ.સી, મોહસીનભાઈ ઈસ્માઈલનગર, સાજીદભાઈ વકીલ, નદીમભાઈ ઈસ્માઈલ નગર, ડા.સોહેલ,ઈરફાનભાઈ પ્રગતીવાળા, રીઝવાનભાઈ માસ્તર, હાજી ઝહુરભાઈ અનમોલ બેકરીવાળા, અલ્ફાજભાઈ રોયલ ઓટોવાળા, વિનોદભાઈ બોરિયાવીવાળા, નાઝીમભાઈ, હુઝેફા વ્હોરા સહિત ઉમ્મીદ ગૃપનાં તમામ સભ્યોએ ભારે ઝહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.