ભાવનગર, તા.ર૦
ભાવનગર જિલ્લા કલેકટર હર્ષદ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી સામાન્ય સભામાં કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રમુખપદના ઉમેદવાર તરીકે હર્ષાબા ગોહિલ અને ઉપપ્રમુખપદના ઉમેદવાર તરીકે વિજુબેન કંટારિયાના નામ જાહેર કર્યા હતા. જ્યારે સામાપક્ષે ભાજપ પક્ષ દ્વારા પ્રમુખપદના ઉમેદવાર તરીકે વક્તુબેન મકવાણા અને ઉપપ્રમુખના ઉમેદવાર તરીકે બી.કે. ગોહિલનું નામ જાહેર કરાયું હતું. ચૂંટાયેલા કુલ ૪૦ સભ્યો પૈકીના ૩૯ સભ્યો આ સભામાં હાજર રહ્યા હતા. જ્યારે કોંગ્રેેસના એક મહિલા ઉમેદવાર હિરાબેન રાઘવજીભાઈ અવૈયા ગેરહાજર રહ્યા હતા. જ્યારે મતદાન થતા કોંગ્રેસના બે ઉમેદવારો જગાભાઈ ઉકાભાઈ બારૈયા અને ભાનુભાઈ પરશોત્તમભાઈ ચૌહણે બળવો કરી ભાજપના પ્રમુખ ઉમેદવાર વક્તુબેનની તરફેણમાં હાથ ઊંચો કરી મતદાન કરતા ભાજપના ઉમેદવાર વક્તુબેનને ર૦ મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસ પ્રમુખના ઉમેદવાર હર્ષાબા ગોહિલને ૧૯ મત મળતા કોંગ્રેસના ઉમેદવારનો પરાજય થયો હતો. જ્યારે ભાજપનો ઉમેદવાર એક મતે વિજેતા જાહેર થતા ભાવનગર જિલ્લા પંચાયતમાં ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી લીધી હતી. તે જ રીતે ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર વિજુબેન કંટારિયાને ૧૯ મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર બળવંતસિંહ ગોહિલ (બી.કે.ગોહિલ)ને ર૦ મત મળતા ભાજપના ઉમેદવારનો જવલંત વિજય થયો હતો. કોંગ્રેસ છાવણીમાં એક મત માટે કોંગ્રેસના ઉમેદવારો હારી જતા કોંગ્રેસ છાવણીમાં સોપો પડી ગયો હતો.