ભાવનગર, તા.ર
ગુજરાત રાજ્યમાં હુક્કાબાર ઉપર પ્રતિબંધ હોવા છતા ભાવનગર શહેરમાં અમુક જગ્યાએ હુક્કાબાર ચાલતા હોવાનું ભાવનગર પોલીસ અધિક્ષક દિપાંકર ત્રિવેદીના ધ્યાને આવતા તેમણે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એચ.એ.જાડેજાને ભાવનગર શહેરમાં ચોરી છુપીથી ચાલતા હુક્કાબાર બાબતે માહિતી મેળવી રેઇડ કરવા સૂચના આપેલ. જે અનુંસંધાને એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એચ.એ.જાડેજા તથા એસ.ઓ.જી. સ્ટાફે શહેરના મધ્યમાં આવેલ રાધામંદિર પાસે આવેલ શ્રી (અવેજીકા) હોટલમાં ચાલતા હુક્કાબાર ઉપર રેઇડ કરી બે ઇસમોને ઝડપી પાડેલ છે.
એસ.ઓ.જી. સ્ટાફે શ્રી (અવેજીકા) હોટલમાં રેઇડ કરતા હુક્કાબારમાં સંચાલક ઇમરાનભાઇ રહિમભાઇ વારૈયા (ઉ.વ.૩૦) (રહે. ઘોઘારોડ, લીબડિયુ, નવા બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાછળ, ૫૦ વારિયા પ્લોટનં-૨૨૦/સી ભાવનગર) તથા હુક્કાબારમાં હુક્કા પીરસતા અને નોકરી કરતા નરેન્દ્ર શાહી ઉર્ફે નંદુ કિષ્નશાહી રાજપૂત (ઉ.વ.૨૧) રહે. ગામ-ભીંડર તા.વલ્લભનગર જી. ઉદયપુર (રાજસ્થાન) હાલ- હોટલ શ્રીમાં રાધામંદીર પાસે ભાવનગરને ઝડપી પાડેલ હતા હુક્કાબારમાંથી હુક્કા પીતા અને હુક્કા પીવા આવેલ કુલ પુરૂષ-૧૧ તથા મહિલા-૨ તથા સગીરવયના કિશોર-૭ હાજર મળી આવેલ હતા. હુક્કાબારમાંથી ચાલુ હુક્કા નંગ-૬ તથા ખાલી હુક્કા નંગ-૪ તથા હુક્કાની ચીલમ તથા પાઇપ તથા ફ્લેવર તમાકુ તથા મ્યુઝિક સીસ્ટમ વગેરે મળી કુલ કિ.રૂ઼ ૪૮૦૧૦/- નો મુદ્દામાલ પોલીસે કબજે કરી હુક્કાબારના સંચાલક ઇમરાન રહિમભાઇ તથા હુક્કા પીરસતા નરેન્દ્ર શાહુને ઝડપી પાડી તેમના વિરૂદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરાવી અને આગળની તપાસ એસ.ઓ.જી. પોલીસ ચલાવી રહી છે.