ભાવનગર,તા.રપ
ગુજરાત ઠાકોર સેના અને ઓ.એસ.એસ. એકતા મંચ દ્વારા તા.ર૭-૯-૧૭ને બુધવારે સવારે ૧૧ કલાકે ભાવનગર શહેરના મોતીબાગ ટાઉન હોલ ખાતે જનાદેશ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ઓ.એસ.એસ. એકતા મંચના પ્રદેશ પ્રમુખ અલ્પેશ ઠાકોર, ઉપપ્રમુખ રમેશ ઠાકોર, પ્રદેશમંત્રી દિનેશ ઠાકોર, ભાવનગરના પ્રભારી શંકર ઠાકોર, ભાવનગર જિલ્લા પ્રમુખ આર.કે. ઠાકોર સહિતના આ સભાને સંબોધન કરશે.
જેમાં ખાસ કરીને વર્તમાન સમયમાં રાજકીય પ્રવાહોમાં પછાત વર્ગના સમાજોમાં એકતા અને સંગઠન કરવું, સમાજને સામાજિક, રાજકીય, પ્રતિનિધિત્વ મળી રહે, સમાજના સળગતા પ્રાણ પ્રશ્નો, સમસ્યાઓ, તકલીફો અંગે ચર્ચા વિચારણા, સમાજનો સાચી દિશામાં વિકાસ થાય તેમજ નશાબંધી, બેરોજગારી, ગરીબી, વિદ્યાર્થીઓના પ્રશ્નો, ખેડૂતોના પ્રશ્નો સર્િહતના પ્રશ્ને આ સભામાં ચર્ચા વિચારણા કરવામાં આવશે. તેમજ સમાજને રાજકીય પ્રતિનિધિત્વ મળી રહે તે માટે જાહેરસભામાં માગ બુલંદ કરાશે. ભાવનગરમાં અલ્પેશ ઠાકોરની સભા યોજાવાની હોવાથી રાજકીય માહોલ ગરમાયો છે. આ કાર્યક્રમને સફળ બનાવવા ભાવનગર જિલ્લા ઠાકોર સેનાના પ્રમુખ રાજુજી ઠાકોર, ભાવનગર શહેર પ્રમુખ છગનજી ઠાકોર સહિતના આગેવાનો કાર્યકરો સારી જહેમત ઉઠાવી રહ્યા છે.