ભાવનગર, તા.૧ર
ભાવનગરના ધારાસભ્ય અને પ્રદેશપ્રમુખ જીતુ વાઘાણી ગત દિવસોમાં યોજાયેલા લોકાર્પણ અને સત્સંગીઓને સંગીતેવાદ્ય અર્પણ સમારોહમાં અડચણ ઊભી ન થાય તે માટે કલેક્ટર કચેરી પાસેથી ૪૦થી વધુ આશાવર્કર બહેનોની અટકાયત કરી નિલમ બાગ પોલીસ સ્ટેશનમાં ખરા તડકે તાપમાં બેસાડી ચાર-ચાર કલાક સુધી અટકાયત કરેલ. આવા ક્રૂર અને તાનાશાહી વર્તનના વિરોધમાં આશાવર્કર બહેનોએ જીતુ વાઘાણીના કાર્યાલય સામે ભારેસ્ ાૂત્રોચ્ચાર અને રોષ વ્યક્ત કરેલ. અધુરામાં પડે છે ત્યાં સઘળું પડે છે. તેવી કહેવત અનુસાર બુધેલના સરપંચ દાનસંગભાઈ મોરીની પણ રાજકીય કિન્નાખોરીથી ધરપકડ કરાવતા સમગ્ર રાજપૂત સમાજ પણ જીતુ વાઘાણી સામે આગામી દીવસોમાં મોરચો ખોલશે તેવી જાહેરાત થઈ છે. હજુ ચૂંટણી આવી નથી. ત્યાં પ્રદેશ પ્રમુખ સામે ચોમેરથી રોષ ફાટી નીકળ્યો છે. આશાવર્કર બહેનો, રાજપૂત સમાજ અને પાટીદાર સમાજ વાઘાણી સામે મેદાને પડ્યા છે. જો પ્રદેશ પ્રમુખની આવી હાલત થઈ રહી છે તો ભાજપના નાના-મોટા નેતાઓ લોકરોષ સામે કેવી રીતે ટકી રહેશે ? સત્તાના મદમાં રાચતી ભાજપ સરકારને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે.