અમદાવાદ,તા.૧૦
ભાવનગરથી પીપળી સુધીનો રસ્તો ૧૦ મીટર પહોળાઈમાંથી ચાર માર્ગીય બનાવવા સરકારે ટેન્ડર બહાર પાડ્યું હતું અને તેના માટે રૂા.૭૩૯ કરોડનો ખર્ચ કરવાની માહિતી દર્શાવી હતી. સપ્ટેમ્બર ર૦૧૭માં રસ્તો ચાર માર્ગીય કરવાનું ટેન્ડર પાડ્યું હતું તે ઓક્ટોબર મહિનામાં કોઈ કારણ વિના જ ટેન્ડર રદ કરી દેવામાં આવ્યું છે. રસ્તો ફોરલેન કરવાની જાહેરાત કરી તેનો પ્રચાર અને પ્રસાર કરી ભાજપે જશ ખાટ્યો હતો અને હવે અચાનક રસ્તો ફોરલેન કરવાનું ટેન્ડર રદ કરી દેવાયું છે. ત્યારે હવે ભાજપ ભાવનગરની જનતાને છેતરવાનું બંધ કરે એમ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું. શક્તિસિંહ ગોહિલે એક યાદીમાં જણાવ્યું હતું કે, ભાવનગરથી પીપળી સુધીનો રસ્તો ભાવનગરથી અમદાવાદ તથા ભાવનગરથી વડોદરાને જોડતો અતિશય મહત્ત્વનો રસ્તો છે. આ રસ્તા ઉપર છેલ્લા થોડા જ મહિનાઓમાં અનેક અકસ્માતો થાય છે. આ રસ્તાને ૧૦ મીટર પહોળાઈમાંથી ચાર માર્ગીય બનાવવાના ટેન્ડર તા.૧પ-૯-ર૦૧૭ના પત્રથી સરકારે બહાર પાડ્યું હતું. રસ્તા માટેનો અંદાજિત ખર્ચ રૂા.૭૩૯.પપ કરોડ રૂપિયાનો દર્શાવવામાં આવ્યો છે. એ ટેન્ડર બહાર પડતા સાથે ભાજપ દ્વારા ભરપૂર પ્રચાર કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર ભાજપ પ્રદેશ પ્રમુખ ઉપર અભિનંદનની વર્ષા કરવામાં આવી હતી. હવે તા.ર૭-૧૦-૧૭ના પત્રથી કોઈપણ કારણ વગર પીપળીથી ભાવનગરના રસ્તાને ચાર માર્ગીય બનાવવાનું રૂા.૭૩પ.પપ કરોડનું ટેન્ડર રદ કરી નાખવામાં આવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કાળિયાબીડ વસાહતને રેગ્યુલાઈઝ કરવા બાબતમાં પણ ભાજપ જુઠાણા ફેલાવે છે. ભાવનગર મહાનગરપાલિકાની તા.૧ર-પ-૧૭ની દરખાસ્ત તથા નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કાળિયાબીડ લે-આઉટ પ્લાન અંગે તા.રર-૮-૧૭ના રોજ મળેલ મીટિંગની કાર્યવાહીની નોંધ મીડિયા સમક્ષ રજૂ કરીને એ વાતનો પર્દાફાશ કર્યો હતો કે કાળિયાબીડ વસાહત હકીકતમાં રેગ્યુલાઈઝ કરવામાં આવી છે તેવી વાતો કરનાર ભાજપ દ્વારા ખરેખર વસાહતીઓની હાડમારી વધારી છે. ખરેખર ડેવલપરે જે સુવિધાઓ અને ફી ભરવાની હતી તેની જવાબદારી વસાહતીઓ ઉપર નાખી દેવામાં આવી છે. પ્લીન્થ લેતી વખતે અને ટ્રાન્સફર વખતે વસાહતીઓએ પાલીતાણા સ્યુગરમિલને રૂપિયા ચૂકવ્યા છતાં હવે દસ્તાવેજના રૂપિયા આપવાના તેમજ ચકાસણી ફી, ડેવલપમેન્ટ ચાર્જ, એમીનીટીઝ ફી, વગેરે પણ ભરવાની થશે. જે વસાહતીઓના ઘરની ઉપરથી ૬૬ કે.વી. લાઈન પ્રસાર થાય છે તે સરકારી ખર્ચે GETCO એ ફેરવી નાખવી જોઈએ તેના બદલે સરકારે એવો નિર્ણય કર્યો છે કે આ વાયરોના નીચે આવતા ઘરોનું બાંધકામ રેગ્યુલરાઈઝ નહીં થાય. કંસારાની આજુબાજુના અનેક ઘરો પણ રેગ્યુલાઈઝ નહીં થાય. ડેવલપર્સ પાસેથી વિકાસના નાણાં ભરાવવાના બદલે રામનગરના વિકાસને કુદરતના ભરોસે છોડાયેલો છે.
ભાવનગરની મિલ્ટરી સોસાયટીમાં નવી શરતની જમીન જૂની શરતમાં ફેરવવાનો કોંગ્રેસના ટેકાવાળી સરકારે નિર્ણયનો અમલ અટકાવીને નિવૃત્ત સૈનિકોનું અપમાન કર્યું છે. ભાવનગરમાં જ્વેલર્સ અને જ્વેલરીપાર્ક બનાવાશે, કલ્પસર યોજના બની જશે. ભાવનગરને સૌરાષ્ટ્રનું મુખ દ્વાર બનાવી દેવાશે એવી મોટી મોટી જાહેરાતો પછી હકીકતમાં એક ઈંચ પણ કામ થયું નથી. ભાવનગરનું બંદર ભાજપના સમયમાં મૃતપ્રાય થઈ ગયું છે. ભાવનગરને રોજી પૂરી પાડતા આલ્કોક એશડાઉનને નુકસાનીમાં નાખી દેવાયું છે. અલંગના વિકાસ માટે અનદેખી થઈ છે. ભાવનગરના ડેમોને નર્મદાના પાણીથી ભરી દેવાની વારંવાર જાહેરાત પછી પરિણામ શૂન્ય છે. માલેશ્રીમાં નર્મદાનું પાણી છોડી શકાય તેમ હોવા છતાં તેની અનદેખી થઈ છે. ડુંગળી વેચતા વેપારીની સબસિડી મળી નથી. પાક વીમામાં ભાવનગરના ખેડૂતોને ખૂબ મોટો અન્યાય થયેલ છે. ટેકાના ભાવોથી ખરીદીની વાતો પછી ખેડૂતો રઝળે છે. પરંતુ પાકની ખરીદી થતી નથી.
ભાવનગરનો ઇતિહાસ એવો છે કે ભાવનગરના પ્રતિનિધિઓ ભાવનગરના હિત માટે ભૂતકાળમાં પોતાની જ સરકારો સામે લડત કરી છે ત્યારે આજે ભાજપના પ્રદેશ પ્રમુખ ભાવનગરના છે અને તેઓ ભાવનગરના પ્રશ્નો માટે લડવાના બદલે ભાવનગરની જનતાને છેતરે છે. તે દુઃખદ છે. એમ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું.