ભૂજ ખાતે ભારત સેવક સમાજના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી

ભૂજ,તા.ર૭
દેશની રાષ્ટ્રવાદી સંસ્થા ભારત સેવક સમાજના ૬૭માં સ્થાપના દિવસની ઉજવણી તેની કચ્છ જિલ્લા શાખા દ્વારા અત્રેના કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં કરવામાં આવી હતી. આ અંગેનો એક સાદો કાર્યક્રમ કેન્દ્રમાં પ્રાર્થના હોલમાં રાખવામાં આવ્યો હતો. પ્રારંભમાં સંસ્થાની બાળાઓએ પ્રાર્થના રજૂ કરી હતી. ત્યાર બાદ તાજેતરમાં અવસાન પામેલા ભારત સેવક સમાજના રાષ્ટ્રીય નેતા તથા બે વખત મેઘાલયના રાજયપાલ રહી ચુકેલા સ્વ. એમ.એમ.જેકબને ઉભા થઈ બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.
મંચસ્થ મહેમાનો દ્વારા દિપ પ્રાગટ્ય બાદ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. શાખાના કાર્યકારી પ્રમુખ અબ્દુલ ગફુર શેખે પ્રસંગ પરિચય આપ્યો હતો. સંસ્થાનો ઈતિહાસ તથા તેની પ્રવૃત્તિઓ વર્ણવી હતી. તેમજ મહેમાનોનો પરિચય પણ આપ્યો હતો. આ પ્રસંગે પધારેલા ભૂજ નગરપાલિકાના પ્રમુખ લતાબેન સોલંકીનું કેન્દ્ર વતી બુકે આપી ભુમિકાબેને, શાલ ઓઢાડી કમળાબેન તેમજ ભારત સેવક સમાજ વતી મોતીની માળા પહેરાવી તેમજ શાલ ઓઢાડી કોકીલાબેને સન્માન કર્યું હતું.
સમાજ સેવકો પૈકી સિનિયર ધારાશાસ્ત્રી ઈન્દુભાઈ સોલંકીનું શાખાના કાર્યકારી પ્રમુખ અબ્દુલ ગફુર શેખે જ્યારે ઈન્ચાર્જ જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.પવનકુમાર મકરાણીનું મોતીની માળા પહેરાવી તથા શાલ ઓઢાડી પ્રબોધ મુનવરે સન્માન કર્યું હતું. જ્યારે કેન્દ્રના પ્રમુખ કમળાબેન વ્યાસનું ભારત સેવક સમાજ વતી મોતીની માળા પહેરાવી તથા શાલ ઓઢાડીને ભુમિકાબેન રાજાવાઢાએ સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે સન્માનીય સમાજ સેવકો ઈન્દુભાઈ સોલંકી તથા ડો.પવનકુમાર મકરાણીએ તેમના સન્માન બદલ સંસ્થાનો આભાર વ્યક્ત કરી તેમના પ્રતિભાવો જણાવ્યા હતા. તો અતિથિ વિશેષ પદેથી ભૂજ નગરપાલિકાના પ્રમુખ લતાબેન સોલંકીએ પ્રાસંગિક બે બોલ કીધા હતા. તો કાર્યક્રમના પ્રમુખ પદેથી કમળાબેન વ્યાસે ઉપસંહાર કર્યો હતો.
કાર્યક્રમનું સંચાલન શ્રી શેખે કર્યું હતું. જ્યારે આભારવિધિ સામાજિક કાર્યકર પ્રબોધ મુનવરે કરી હતી. કાર્યક્રમમાં સમાજ સુરક્ષાના લેઉવાભાઈ, કેન્દ્રની બાળાઓ, કેન્દ્રની સ્ટાફની બહેનો વગેરે વિશાળ સંખ્યામાં હાજર રહી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks