National

કઠુઆ ગેંગરેપના આરોપીઓના વકીલનો વીડિયો વાયરલ ? ભીડને ઉશ્કેરી રહ્યો છે

(એજન્સી) શ્રીનગર, તા.ર૭
કઠુઆ ગેંગરેપ અને હત્યા મામલે આરોપીઓના વકીલનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો કાશ્મીરના એક પત્રકાર શુજા-ઉલ-હકે તેના ટ્‌વીટર એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં આરોપીઓના વકીલ ભીડને પીડિતાના સમુદાય વિરૂદ્ધ ઉશ્કેરતો નજરે પડે છે. વકીલ ગુજ્જર અને બકરવાલ સમુદાયનો બહિષ્કાર કરવા માટે લોકોને ઉશ્કેરી રહ્યો છે. પીડિતા જેની બળાત્કાર બાદ હત્યા કરી દેવામાં આવી એ આજ સમુદાય સાથે સંબંધિત હતી. આ વીડિયોમાં વકીલ એવું કહેતો દેખાય છે કે, આ મામલો (કઠુઆ ગેંગરેપ) તમને એ વાતનો અનુભવ કરાવવા માટે કરવામાં આવ્યો છે કે તમે લોકો કેટલા નબળા છો. જો એ લોકો (ગુજ્જર અને બકરવાલ) વિરૂદ્ધ કંઈપણ નેગેટિવ બને છે તો જુઓ તમારી હાલત કેવી થાય છે. વકીલે કહ્યું આની વિરૂદ્ધમાં કેટલાક લોકોએ અવાજ ઉઠાવ્યો છે એ એક સારી વાત છે પરંતુ આ અહીં જ અટકવી જોઈએ નહીં. વકીલે લોકોને આહ્‌વાન કરતા કહ્યું કે, આજથી આપણી જમીન એ લોકોને આપવી નહીં અને એમને આર્થિક રીતે મજબૂત થવા દેવા જોઈએ નહીં. નોંધનીય છે કે કઠુઆ ગેંગરેપના આરોપીઓના વકીલ દ્વારા આ પ્રકારની વાત કહેવામાં આવતી હોય એવું પ્રથમવાર બન્યું નથી. આ અગાઉ પણ વકીલે આરોપીઓના સમર્થનમાં એક રેલીનું આયોજન કર્યું છે. આ રેલી દરમિયાન ભાજપના કેટલાક નેતા અને રાજ્ય સરકારમાં મંત્રી પણ નજરે પડ્યા હતા. પરંતુ આ મામલો જ્યારે સમાચારો ચમક્યા ત્યારે ભાજપના નેતાઓએ રાજીનામા આપવા પડ્યા હતા.