માંગરોળ, તા.૯
મહારાષ્ટ્રમાં ભીમા કોરેગાંવ હિંસાનો જે બનાવ બન્યો છે. એના પડઘા સમગ્ર વિશ્વમાં પડ્યા છે જ્યારે દેશના વિવિધ સ્થળોએ વિવિધ સંગઠનો દ્વારા આ બનાવને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી, જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે. આજરોજ જમિયતે ઉલમાએ હિંદ, માંગરોળ તાલુકો, ડૉ. ભીમસાહેબ ફાઉન્ડેશન, કુવારદા, મૂળ નિવાસી સંઘ, સુરત જિલ્લો અને ભિલીસ્તાન ટાઈગર સેના, માંગરોળ તાલુકાના સંયુક્ત ઉપક્રમે એક આવેદનપત્ર માંગરોળના મામલતદાર કે.ડી.કોળીને આપવામાં આવ્યું છે. દેશના રાષ્ટ્રપતિને સંબોધીને તૈયાર કરાયેલ આ આવેદનપત્રમાં જણાવાયું છે કે, પૂણેમાં ર૦૦ વર્ષ અગાઉ મૂળ નિવાસીઓએ પેસવા બ્રાહ્મણો (બાજીરાવ બ્રાહ્મણો) શાસકોની સામે યુદ્ધ લડાયું હતું. આ યુદ્ધમાં મૂળ નિવાસી સૈનિકોની જીત થઈ હતી. જેને મૂળ નિવાસી પ્રજા શૌર્ય દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસની ઉજવણી મહારાષ્ટ્રના ભીમા કોરેગાંવમાં કરાતા તે દરમિયાન મૂળ નિવાસી પ્રજા ઉપર પથ્થરમારો થયો હતો. સાથે જ મૂળ નિવાસી લોકોના વાહનોની તોડફોડ કરાઈ હતી અને વાહનોની સળગાવી દેવામાં આવ્યા હતા સાથે જ એકની હત્યા પણ કરવામાં આવી છે. આ ઘટનાને બ્રાહ્મણશાહી સામેની લડાઈને મૂળ નિવાસી મરાઠા અને મૂળ નિવાસી મહાર વચ્ચેની લડાઈ બતાવીને મૂળ નિવાસી મરાઠા અને મહાર વચ્ચે ખોટો સંદેશ ફેલાવવાની વાત કરાઈ રહી છે. તમામને આ દેશમાં સન્માનથી અનેે સલામત રીતે જીવન જીવવાનો પોતાની સંસ્કૃતિ જાળવવાનો પરંપરાનું પાલન કરવાનો બંધારણીય હક્ક છે. આવેદનપત્રના અંતમાં જણાવાયું છે કે, આ બનાવની ન્યાયીક તપાસ કરાવવામાં આવે, ગુનેગારો સામે પગલાં ભરવામાં આવે તથા મૂળ નિવાસી પ્રજાને યોગ્ય ન્યાય આપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. આ પ્રસંગે અબ્દુલ હક્ક કૈયુમ-એડ.સોહેલ નૂર, ઈબ્રાહિમ હાસલોદ, કિશનભાઈ સોલંકી એડ.બાબુભાઈ ચૌધરી, નિલય ચૌહાણ, રૂપસિંગ ગામીત વગેરેઓ હાજર રહ્યા હતા.