(એજન્સી) નવી દિલ્હી, તા.૧ર
જ્યારે કોઈ ઉમેદવારની આવક અને સંપત્તિમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ૧૦૦૦ ટકાનો વધારો દેખાય તો એની તપાસ કરવા માટે કોઈ પદ્ધતિ સરકાર પાસે હોવી જોઈએ. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે ધારાસભ્યો અને સાંસદો જે આવક કરતા વધુ સંપત્તિ ધરાવે છે. એવા રાજકારણીઓ ફરીથી સત્તા હાંસલ કરી લે છે. આ પ્રકારનું વલણ છેલ્લા રપથી ૩૦ વર્ષથી જોવામાં આવી રહ્યું છે. સુપ્રીમ કોર્ટના જજોએ સરકારી વકીલને પ્રશ્ન કર્યો કે સરકાર પાસે આ બાબત તપાસ કરવાની વ્યવસ્થિત પદ્ધતિ નથી અથવા તો એમને જાણીબુઝીને મુક્તિ આપવામાં આવેલ છે. કોઈ ઉમેદવારની સંપત્તિમાં પાંચ જ વર્ષમાં ૧૦૦૦ ટકા વધારો જણાય તો તમારી ફરજ નથી કે એની પ્રાથમિક તપાસ કરવામાં આવે. એટોર્ની જનરલે કોર્ટને જણાવ્યું કે અમને આ પ્રકારની માહિતી મળ્યેથી એમની સામે પગલા લઈએ છીએ. કાયદાઓનો અમલ કરાતી એજન્સીઓ તપાસ કરે છે. નામદાર કોર્ટને જે સૂચનાઓ વ્યાજબી જણાય એ કરી શકે છે. સરકારની આ પ્રકારની ખાતરી છતાંય કોર્ટે કહ્યું કે તમારી આ એજન્સીઓએ આ પ્રકાર ધારાસભ્યો અને સાંસદો સામે કોઈ પગલા લીધા નથી. જેથી એ ફરીથી સત્તા હાંસલ કરી લે છે. જજોએ એટોર્નીનું ધ્યાન ૧૯૯૩માં વોહરા કમિટી દ્વારા અપાયેલ રિપોર્ટ તરફ ખેંચ્યું હતું કે રાજકારણીઓ, ગુનેગારો અને સરકારી અધિકારીઓ વચ્ચે સ્પષ્ટ રીતે સંબંધો છે.
કોર્ટે એટોર્ની જનરલને પૂછ્યું કે સાંસદો અને ધારાસભ્યોની આવકની વિગતો કેમ જનતાને જણાવવી નહીં જોઈએ. એમને આમાંથી મુક્તિ કેમ અપાઈ છે.
એટોર્ની જનરલે કહ્યું કે જો સાંસદો અને ધારાસભ્યોની આવકની માહિતી જાહેર કરાશે તો એ ભેદભાવ ગણાશે. કારણ કે આવકવેરાની માહિતીને આરટીઆઈથી પણ બહાર રખાયું છે. સાંસદો અને ધારાસભ્યોની સંપત્તિની તપાસ કરાવવા જાહેર હિત અરજી દાખલ કરાઈ છે જેની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું.