નવી દિલ્હી, તા. ૨૫
બનારસ હિંદુ યુનિવર્સિટી(BHU)માં વિદ્યાર્થીનીઓ પર પોલીસ દમન સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મૌન સામે કોંગ્રેસે તેમના લોકસભા મતવિસ્તારમાં આવેલી વિખ્યાત યુનિવર્સિટી વિવાદ અંગે સવાલ ઉઠાવ્યા હતા. કોંગ્રેસના પ્રવક્તા મનિષ તિવારીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસે વિદ્યાર્થીઓ પર દમન ગુજારવા પોલીસને કહેનારા યુનિવર્સિટીના ઉપકુલપતિ ગિરિશચંદ્ર ત્રિપાઠીને હટાવી દેવાની પણ ઉગ્ર માગ કરી હતી. તેમણે વિદ્યાર્થીઓ પર લાઠીઓ વરસાવવાનો આદેશ આપવા માટે જવાબદાર સામે હાઇકોર્ટના સિટિંગ જજ પાસે તપાસની માગ કરી હતી. તિવારીએ એવો પણ સવાલ કર્યો હતો કે, જ્યારે મોદી સરકાર શિક્ષણને પ્રોત્સાહન આપી રહી છે ત્યારે વિદ્યાર્થીનીની છેડતી થઇ રહી છે અને વડાપ્રધાન મોદી મૌન છે. કોંગ્રેસના નેતાએ જણાવ્યું હતું કે, અમે વડાપ્રધાન પાસે જાણવા માગીએ છીએ કે, હવે તેમના મતવિસ્તારમાં જ આ બનાવ બન્યો છે ત્યારે તમારો વિદ્યાર્થીઓ પર અત્યાચાર વિરૂદ્ધનું વલણ ક્યાં છે. વડાપ્રધાન દરેક મુદ્દે બોલી રહ્યા છે જેમાં ટિ્વટર અને મન કી બાતનો સમાવેશ થાય છે. પરંતુ જ્યારે રાજ્ય પોલીસ દ્વારા છોકરીઓને માર મારવામાં આવ્યો ત્યારે તેઓ મૌન કેમ છે. શનિવારે પોલીસે બીએચયુ હોસ્ટેલ બહાર પ્રદર્શનો કરી રહેલા વિદ્યાર્થીઓ પર નિર્દયી રીતે લાઠીચાર્જ કર્યો હતો જેમાં ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા.