વારાણસી, તા. ૨૫
બનારસ હિંદુ યુનિવર્સિટી(BHU)માં વિદ્યાર્થિનીની છેડતીનો વિવાદ ઘેરાતાં હજારો વિદ્યાર્થીઓ પ્રદર્શનમાં જોડાતાં પોલીસના લાઠીચાર્જ અને ધરપકડો બાદ ઉત્તરપ્રદેશ સરકારે ત્રણ અધિક જિલ્લા ન્યાયાધીશની બદલી કરી નાંખી હતી. શનિવારે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પર પોલીસ તૂટી પડતાં ઘણી વિદ્યાર્થિનીઓ પણ ઘવાઇ હતી. આ મામલે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે યોગી આદિત્યનાથ પર આકરા પ્રહારો કર્યા હતા. લંકાના સ્ટેશન અધિકારી રાજીવસિંહને પોલીસ લાઇન્સમાં મોકલી દીધા હતા જ્યારે ડીએસપી નિમેશ કટિયારને એકાઉન્ટ સેક્શનમાં મોકલી દીધા હતા. સંજીવ મિશ્રા સિંહનું સ્થાન લેશે જ્યારે અયોધ્યાપ્રસાદ કટિયારનું સ્થાન લેશે. વારાણસી જિલ્લા માહિતી કચેરીએ જણાવ્યું હતું કે, એડિશનલ મેજિસ્ટ્રેટ મનોજસિંહ, સુશિલકુમાર ગૌડ અને જગદંબા પ્રસાદને પણ હટાવી દેવામાં આવ્યા છે. યુનિવર્સિટી કેમ્પસમાં થયેલી હિંસા મામલે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ડિવિઝનલ કમિશનર પાસે રિપોર્ટ માગ્યો છે.
બનારસ હિંદુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરના રહેણાંક અને કેમ્પસ ગેટ બહાર પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓને બળજબરીથી પોલીસે બહાર કાઢતાં હિંસા ભડકી હતી. વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના ગેટ બહાર મોટરસાઇકલ સવારો દ્વારા વિદ્યાર્થિનીની છેડતી મામલે સત્તાવાળાઓ આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં નિષ્ફળ જતાં વિરોધ કરી રહ્યા હતા. વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો હતો કે, કેમ્પસની સિક્યુરિટી અને પોલીસે તેમને લાઠીઓથી માર માર્યો હતો તથા તેમને વાળ પકડી ઢસડીને કેમ્પસ બહાર લઇ જવાનો પ્રયાસ કર્યો હતો. હિંસાને પગલે બીએચયુએ ૨૫મી સપ્ટેમ્બરથી શરૂ થનારા દશેરા ઉત્સવને મોકૂફ રાખ્યો છે. જ્યારે અન્ય યુનિવર્સિટીઓએ પણ પોતાના કાર્યક્રમો બદલી નાખ્યા છે.
વારાણસીની બનારસ હિંદુ યુનિવર્સિટી (બીએચયુ)ના સિંહદ્વાર પર છેડતી વિરૂદ્ધ ચાલી રહેલા ધરણા-પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મામલે ઉત્તર પ્રદેશ સરકારે ઉલટો ચોર કોટવાલને દંડેની નીતિ અપનાવી હોય તેવું લાગી રહ્યું છે. પ્રથમ નજરે આ કેસમાં યોગ્ય રીતે કાર્યવાહી ન કરવા બદલ લંકાના પોલીસ સ્ટેશન પ્રભારી, ભેલુપુરના સર્કલ અધિકારી અને એક એડિશનલ સિટી મેજિસ્ટ્રેટ (એસીએમ)ને હટાવી દેવાયા છે. એસએસપી ઓફિસમાંથી આ અંગેની વાતને અનુમોદન અપાયું હતું. પોલીસે ૧૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે.
આ દરમિયાન વિદ્યાર્થીઓ પ્રત્યે સમર્થન દેખાડવા વારાણસી પહોંચેલા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બર અને વરિષ્ઠ નેતા પીએલ પુનિયાને પોલીસે શહેરમાં પ્રવેશતા જ હિરાસતમાં લઇ લીધા હતા. શનિવારે પોલીસનો લાઠીચાર્જ, ગોળીબાર, પથ્થરમારો અને આગચંપીના બનાવો રવિવાર અને સોમવારે પણ ચાલુ રહ્યા હતા. સિંહદ્વાર વિદ્યાર્થીઓએ ધરણા કર્યા હતા. વિદ્યાર્થીઓના પ્રદર્શનમાં બીએચયુ વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ અને વારાણસીના પૂર્વ સાંસદ રાજેશ મિશ્રા પણ જોડાયા હતા.
વરિષ્ઠ પોલીસ અધિક્ષકની કચેરીએ માહિતી આપી હતી કે, રાજ બબ્બર અને પુનિયા બીએચયુ જવા માગતા હતા. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોઇ તેમને ત્યાં જવાથી રોકવામાં આવ્યા હતા ત્યારે તેઓ ગિલગિટ બજારમાં ધરણા પર બેસી ગયા હતા. ત્યારબાદ તેમને હિરાસતમાં લેવામાં આવ્યા હતા.