બાવળા,તા.૧૭
અમદાવાદ જિલ્લામાં ખેડૂતોને ૧૦ કલાક વીજળી આપવા તથા નર્મદા કેનાલનું પાણી ફતેહવાડી કેનાલમાં નાખવાની લેખિત રજૂઆત અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ જિતેન્દ્રસિંહ ચૌહાણે કેબિનેટ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને કરી છે. હાલમાં અમદાવાદ જિલ્લામાં ખેડૂતોને ૮ કલાક વીજ પુરવઠો મળે છે. તાજેતરની પરિસ્થિતિ તથા વરસાદ ખેંચાતા ખેડૂતો દ્વારા વાવણી કરવામાં આવેલ પાકો નિષ્ફળ જાય તેવી સંભાવના રહેલ હોઈ, પાકો નિષ્ફળ ન જાય તે હેતુસર પાણીની ખૂબ જ આવશ્યકતા રહેલી હોઈ કૃત્રિમ શોર્ષથી (કુવા તથા બોર) પાણી મેળવવા સારૂ હાલમાં મળતા ૮ કલાક વીજ પુરવઠામાં વધારો કરી ૧૦ કલાક વીજ પુરવઠો મળે તેવી રજૂઆત અમદાવાદ જિલ્લાના ખેડૂતભાઈઓ તરફથી તથા ખાસ કરીને બાવળા, સાણંદ, વિરમગામ તાલુકામાં ડાંગરનું વધુ વાવેતર થતું હોઈ તે તાલુકામાંથી વધુ રજૂઆત અમોને મળેલ છે. જેથી આ બાબતે હકારાત્મક અભિગમ દાખવી અમદાવાદ જિલ્લાના તમામ તાલુકામાં ૧૦ કલાક વીજ પુરવઠો મળે તે બાબતે આપની કક્ષાએથી જરૂરી પ્રબંધ કરવા અનુરોધ છે.
અમદાવાદ જિલ્લામાં મોસમનો સરેરાશ વરસાદ ખૂબ જ ઓછો પડેલ છે. પાક બચાવવા માટે ખેડૂતોએ વૈકલ્પિક વ્યવસ્થા કરવી ખૂબ જ જરૂરી પડેલ છે.
ઉપરવાસમાં સારો વરસાદ થવાના કારણે નર્મદા ડેમમાં પુરતા પ્રમાણમાં પાણીનો જથ્થો હાલ ઉપલબ્ધ છે. નર્મદા કેનાલમાંથી ફતેહવાડી કેનાલમાં પાણી નાંખવામાં આવે તો અમદાવાદ જિલ્લામાં બાવળા, ધોળકા, સાણંદ વગેરે તાલુકામાં ડાંગર અને અન્ય પાકોને પાણી પુરતા પ્રમાણમાં સરળતાથી મળી રહે તે સારૂ નર્મદા કેનાલમાંથી ફતેહવાડી કેનાલમાં પાણી નાંખવા આપની કક્ષાએથી જરૂરી પ્રબંધ કરવા અનુરોધ છે.