બી.એડ. કોલેજમાં સંસ્કૃત ભણતા ૪૦ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસી શકે તેવી વ્યવસ્થા કરાશે : શિક્ષણમંત્રી

અમદાવાદ,તા.૧૯
સોલા ભાગવત વિદ્યાપીઠ અમદાવાદ ખાતે બી.એડ.ના બીજા વર્ષમાં આવેલા સંસ્કૃતના ૪૦ વિદ્યાર્થીઓ આગામી વર્ષમાં બી.એડ.ની પરીક્ષામાં બેસી શકે તેવી વ્યવસ્થા કરવા રાજય સરકારે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીને સૂચના આપી હોવાનું શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે. આજે સોલા ભાગવત વિદ્યાપીઠના ટ્રસ્ટીઓ, સંસ્કૃત ભારતી, ગુજરાત યુનિવર્સિટીના પ્રતિનિધિઓ સાથે સંસ્કૃત યુનિવર્સિટી સંબંધી પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે બેઠક યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃતની સ્વનિર્ભર બી.એડ. કોલેજ ચાલતી હતી પરંતુ નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજયુકેશન (એનસીટીએ)તેની માન્યતા રદ કરેલી હોવાથી બી.એડ.ના બીજા વર્ષમાં આવેલા ૪૦ વિદ્યાર્થીઓના શિક્ષણની અને પરીક્ષા આપવા સંબંધે સમસ્યા સર્જાઈ હતી. આ ૪૦ વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે આગામી વર્ષમાં જયારે પણ પરીક્ષા લેવાય ત્યારે આ ૪૦ વિદ્યાર્થીઓને સંસ્કૃતની પરીક્ષામાં બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે તેવી ખાતરી શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આપી હતી. આજે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે યોજાયેલી બેઠકમાં સોલા ભાગવત વિદ્યાપીઠના ટ્રસ્ટી પી.કે. લહેરી, સંસ્કૃત ભારતીના પ્રાંત મંત્રી જયશંકર રાવલ, ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર હિમાંશુ પંડયા, સંસ્કૃત પાઠશાળા શિક્ષક મંડળના પ્રતિનિધિઓ તથા અંજુ શર્મા, અગ્ર સચિવ, ઉચ્ચ શિક્ષણ વગેરેએ ઉપસ્થિત રહી સંસ્કૃત યુનિવર્સિટી અને બી.એડ. કોલેજ સંબંધી પ્રશ્નોની વિગતવાર ચર્ચા કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts