અમદાવાદ, તા.૨૩
બીજા તબકકાની ૯૩ બેઠકો માટે ૧૪ ડીસેમ્બરના રોજ હાથ ધરવામા આવનારી મતદાન પ્રક્રીયા દરમિયાન આજે ઉમેદવારીપત્ર ભરવાના ચોથા દિવસે ખાડીયા-જમાલપુર વિધાનસભા બેઠક માટે કલેકટર કચેરી ફોર્મ ભરવા પહોંચેલા ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટની સાથે ઉમેદવારી પત્ર ભરતી વખતે ખાડીયાના કોર્પોરેટર મયુર દવે હાજર ન રહેતા ખાડીયા ભાજપનો આંતરીક વિખવાદ બહાર આવવા પામ્યો હતો.આ અંગે મળતી માહિતી અનુસાર,ભાજપ દ્વારા ખાડીયા-જમાલપુર બેઠક માટે સીટીંગ ધારાસભ્ય એવા ભૂષણ ભટ્ટને ફરી વખત ટિકીટ આપવામા આવી છે.આજે ઉમેદવારી કરવા ભૂષણ ભટ્ટ તેમના સમર્થકો સાથે કલેકટર કચેરી ખાતે બપોરના સમયે પહોંચ્યા હતા.આ સમયે એમની સાથે ખાડીયાના કોર્પોરેટર મયુર દવે પણ જોડાયા હતા.પરંતુ સૌના આશ્ચર્યની વચ્ચે ભૂષણ ભટ્ટ જે સમયે કલેકટર કચેરીમા પ્રવેશ્યા એ સમયે તેમણે મયુર દવેને આગ્રહ કરવા છતાં મયુર દવે તેમની સાથે કચેરીમાં અંદર ગયા ન હતા ઉપરાંત આખો કાફલો ફોર્મ ભરીને બહાર આવ્યો ત્યાં સુધી તેઓ કલેકટર કચેરીની બહાર જ બેસી રહેતા ખાડીયા ભાજપની અંદર છેલ્લા કેટલાક સમયથી ચાલ્યો આવતો આંતરીક વિખવાદ બહાર આવવા પામ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે,ખાડીયામાં ચાલી રહેલા અનેક ગેરકાયદેસર બાંધકામોને લઈને ભૂષણ ભટ્ટ અને મયુર દવે વચ્ચે છેલ્લા ઘણાં સમયથી વિવાદ ચાલ્યો આવે છે.
ખાડીયાની પોળોમાં કોમર્શીયલ બાંધકામને લઈને ચાલ્યો આવતો આ બંને વચ્ચેનો આંતરીક કલહ આજે બહાર આવવા પામ્યો હતો.