(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા. ૨૮
વડોદરામાં પ્રથમ વરાસદ બાદ ઠેર-ઠેર ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે. બુધવારે રાત્રે દુધવાલા મહોલ્લા નજીક ભૂવો પડવાની સાથે પ્રતાપનગર ડભોઇ રોડ પર ભાટીયા શેરીના નાકે પણ એક ભૂવો પડવાનો બનાવ બન્યો હતો. પાણીની લાઇનમાં ભંગાણને કારણે લીકેજ થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું હતું.
વડોદરામાં સોમવારે પડેલા સાડા ચાર ઇંચ વરસાદના કારણે શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાવની સાથે અનેક સ્થળોએ રોડ બેસી જવાના અને ભૂવા પડવાના બનાવો બન્યા હતા. ગઇકાલે મોડીરાતે શહેરના બે અલગ અલગ વિસ્તારમાં ભૂવા પડવાના બનાવો બન્યા હતા. મોડી રાતે ન્યાયમંદીર દુધવાલા મહોલ્લા પાસે ભૂવો પડવાનો બનાવ બનતા સ્થાનિક લોકો આ અંગે આજે સવારે તંત્રને જાણ કરી હતી.
શહેરમાં પ્રથમ વરસાદે ઓછામાં ઓછામાં ઓછા એક ડઝનથી મોટા ભુવા અને અનેક ઠેકાણે ખાડા પાડી દીધા છે. આ તો હજુ મૌસમનો પહેલો વરસાદ છે. હજુ આખી સિઝન બાકી છે. પરંતુ હાલ જ્યાં ખાડા અને ભૂવા પડ્યા છે. ત્યાં પણ અકસ્માતનો ભય વાહન ચાલકો અને રાહદારીઓને તોળાઇ રહ્યો છે. મુખ્યમાર્ગ સાથે આંતરિક રસ્તાઓ પર પણ પરિસ્થિતિ ભયંકર બની છે.
હાલમાં જ્યાં ખાડા, ભુવા પડયા છે ત્યાં તંત્રએ આયોજનપૂર્વક તેની આજુબાજુ સમગ્ર ઘટના સ્થળ બંધ (કોર્ડન) કરવાની કોઇ તકેદારી લીધી નથી. જેથી અકસ્માતનો ભય પણ આવી જગ્યાઓએ તોળાઇ રહ્યો છે. ત્યારે અકસ્માતમાં કોઇના સ્વજનનાં નિધન બાદ તંત્ર આ મામલે ઘણું મોડુ થઇ ગયું હશે તે પહેલા આની કાળજી લેવી ખૂબ જરૂરી છે.