અમદાવાદ, તા.ર૩
અમદાવાદ શહેર ભ્રષ્ટાચારરૂપી ભૂવાઓને લીધે વાહનચાલકો અને રાહદારીઓ માટે જોખમી બની રહ્યું છે. વરસાદ સિવાયના દિવસોમાં પણ અવારનવાર રસ્તાઓ પર ભૂવા પડતા હોય છે ત્યારે વરસાદની મોસમમાં તો ભૂવા પડવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ જાય છે. પરિણામે નાના મોટા અકસ્માતો અને ભૂવામાં વાહનો અને રાહદારીઓ પડી જવાની ઘટનાઓ વધી જાય છે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત અનુસાર અમદાવાદમાં વરસાદ પડતા જ ‘સ્માર્ટ સિટી’ હવે ‘ભૂવા સિટી’ બની ગયું છે. આ ભૂવાઓને કારણે લોકો ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે તો અકસ્માતને કારણે જીવ પણ ગુમાવવા પડી રહ્યા છે. ચાલુ વર્ષે જ શહેરમાં ૨૫થી વધુ ભૂવા પડી ગયા છે. માત્ર એટલું જ નહીં, રાજ્યમાં છેલ્લા ચાર વર્ષમાં ભૂવાઓને કારણે ૫૯૭ લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે વર્ષ ૨૦૧૭માં ૨૨૮ લોકો મોતને ભેટ્યા હતા. હાલ ‘સ્માર્ટ સિટી’ બનવા તરફ આગળ વધી રહેલું અમદાવાદ વરસાદ પડતા જ ભૂવાસિટી બની જાય છે. આમ અમદાવાદને ચોમાસામાં ભૂવાસિટી કહેવામાં કંઈ ખોટું નથી. શહેરમાં વરસાદ પડવાની સાથે રસ્તાઓ ઉપર ભૂવા પડવાની શરૂઆત થઇ જાય છે. ગત સપ્તાહે પડેલા વરસાદમાં જીવરાજ પાર્કમાં મેટ્રો કામની બાજુમાં વિશાળકાય ભૂવો પડ્યો હતો. જોકે, સદનસીબે આ ભૂવામાં કોઇ જાનહાનિ થઇ નહોતી. આ ઉપરાંત અમદાવાદમાં ૨૫થી વધારે નાના મોટા ભૂવા પડ્યા છે. જેમાં જીવરાજ, શ્યામલ, અમરાઇવાડી ગોમતીપુર, દાણીલીમડા, બહેરામપુરા સહિતના વિવિધ વિસ્તારો સામેલ છે. એએમસી દ્વારા આશરે ૧૭૫ કરોડના ખર્ચે પ્રિમોન્સુન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જોકે, વરસાદ પડવાની સાથે શહેરમાં પડતા ભૂવાઓમાં કોર્પોરેશનના ૧૭૫ કરોડ રૂપિયા પણ ધોવાઇ ગયા છે. ચાલુ આ સિઝનમાં પડેલા ભૂવામાં કોઇ જાનહાનિ થઇ નથી જોકે, આગામી દિવસોમાં જો ભૂવાને કારણે કોઇ જાનહાનિ થશે તો તેની જવાબદારી કોની !
ભૂવાનગરી અમદાવાદમાં આપનું સ્વાગત છે
શહેરમાં વરસાદની શરૂઆત થતાં જ ભ્રષ્ટાચારરૂપી ખાડાઓ યોગ્ય રીતે પુરવામાં ન આવતા ભૂવાઓ ધૂણવા લાગ્યા છે. શહેરમાં જ્યાં જ્યાં મ્યુનિ. દ્વારા અગાઉ ગટર, પાણી કે સ્ટ્રોમવોટર ડ્રેઈન માટે ખોદકામ કરાયું હોય ત્યાં યોગ્ય રીતે વોટરીંગ કર્યા સિવાય માટી પુરાણ કરી ઉપર રોડ બનાવી દેવાતા આવા પોળા રસ્તાઓ અવારનવાર બેસી જતાં હોય છે. જેનો ભોગ શહેરની પ્રજાને બનવું પડે છે. આથી મ્યુનિ. કાઉન્સિલર બદરૂદ્દીન શેખે શહેરીજનોને ચેતવણી આપતા હોય તેમ દાણીલીમડા ચાર રસ્તાથી ખોડિયાર બ્રિજ જવાના રસ્તા પર ઠેર ઠેર બેનરો મૂક્યા છે. જેમાં જણાવાયું છે કે, ભૂવાનગરી અમદાવાદમાં આપનું સ્વાગત છે. વાહનો ચલાવતી વખતે અને ચાલતી વખતે ધ્યાન રાખવું.
અખબારનગર પાસે મ્યુનિ.નું રોલર જ ભૂવામાં પડ્યું
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીનાં કારણે શહેરીજનો અવારનવાર મુશ્કેલીમાં મૂકાતા હોય છે. પરંતુ આ વખતે તંત્રની બેદરકારીનો ભોગ ખુદ મ્યુ.કો. બન્યું છે. અમદાવાદમાં અખબારનગર પાસે એક ભૂવો પડ્યો છે. જેમા કોર્પોરેશનનું રોલર ભૂવામાં ખાબક્યું છે. રોલર ફસાઈ જતા ડ્રાઈવર ફરાર થઇ ગયો હતો. જમીન પોલી હોવાને કારણે અડધુ ખાડામાં ગરકાવ થઇ ગયુ હતુ. અખબારનગર પાસેથી રોલર પસાર થઇ રહ્યુ હતુ તે સમયે જમીન પોલી થઇ જવાને કારણે રોલર ખાડામાં પડ્યુ હતુ. સ્થાનિકોનું માનીએ તો થોડા સમય પહેલા અહી ખોદકામ કરવામાં આવ્યું હતું અને પુરાણ વ્યવસ્થિત કરવામાં ન આવતા આ પ્રકારની સમસ્યા સર્જાઇ હતી.